જેરુસલેમઃ ઈઝરાયેલમાં તાજેતરમાં પૂરી થયેલી ચૂંટણીમાં બેની ગેટ્સની પાર્ટી સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી છે, પરંતુ એક પણ પાર્ટી પાસે પૂર્ણ બહુમતી નથી. કોઈ પણ પાર્ટી ગઠબંધન વગર સરકાર બનાવી શકે તેવી હાલતમાં નથી. ઇઝરાયેલી ચૂંટણી કમિટીના પરિણામથી ખબર પડે છે કે ગેટ્સની મધ્યમાર્ગી બ્લૂ એન્ડ વ્હાઇટ પાર્ટીને ૧૨૦ બેઠકોમાંથી ૩૩ બેઠકો મળી છે જ્યારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની દક્ષિણપંથ લિકુડ પાર્ટીને ૩૧ બેઠકો મળી છે.
કમિટીએ કહ્યું કે, આ પરિણામમાં ૧૪ મતદાન કેન્દ્રોનું પરિણામ સામેલ નથી જ્યાં હજુ વેરિફિકેશન ચાલુ છે. ઇઝરાયેલી મીડિયાએ જણાવ્યું કે, ૯૯.૮ ટકા મતોની ગણતરી કરાઈ છે. આ ચૂંટણીમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી આરબ જોઇન્ટ લિસ્ટ ગઠબંધનને ૧૩ બેઠકો જીતી છે. આ ચૂંટણી પરિણામો બાદ નેતન્યાહૂની વડા પ્રધાનપદની ખુરશી પર ખતરો પેદા થયો છે. નેતન્યાહૂએ સ્વીકાર કર્યો કે, તેમની ધારણા કરતા જુદી રીતે આ પરિણામો બાદ તે દક્ષિણપંથ ગઠબંધન બનાવવામાં અસમર્થ છે અને તેમણે બેની ગેટ્સને એકતા સરકાર રચવાની અપીલ પણ કરી છે.
ગતિરોધથી દેશમાં ત્રીજી ચૂંટણીની સંભાવના વધી છે. ઇઝરાયેલી રાષ્ટ્રપતિ રિયુવેન રિવલીને રાજકીય પાર્ટીઓ સાથે વિચાર વિમર્શ શરૂ કર્યો છે. એ વાતની પ્રબળ સંભાવના છે કે જો લિકુટ પાર્ટી બ્લૂ એન્ડ વ્હાઇટની સાથે મળીને ગઠબંધન સરકાર રચે તો ૧૩ બેઠકોવાળા ગઠબંધનના નેતા આયમાન ઓદેહ દેશના પહેલા આરબ વિપક્ષી નેતા બની
શકે છે.