કિબુઝઃ ઈઝરાયલમાં કિબુઝ હર્કાઈ શહેરમાં હજારો લોકોએ ભારે ધામધૂમથી જન્માષ્ટમીની ઊજવણી કરી હતી. આ ઊજવણીમાં મોટાભાગના યહુદી હતા. હરેકૃષ્ણ, હરે રામાની ધૂન સાથે તેમણે આસપાસના ગામના લોકો સાથે દર વર્ષની જેમ કૃષ્ણ જન્મોત્સવ મનાવ્યો હતો. ઈઝરાયલનું આ શહેર મહદ્અંશે ખેડૂતો અને પશુપાલકોની વસ્તી ધરાવે છે. તેમને કૃષ્ણ ભગવાન અને ગીતાનો ધર્મબોધ એટલા પસંદ છે કે તેમણે તે જીવનધર્મ તરીકે અપનાવી લીધો છે. સ્થાનિક યહુદીઓમાં તે ‘હરે ક્રિષ્ણાઝ’ તરીકે ઓળખાય છે. આ વખતે જન્મોત્સવમાં ૧૦૮ શુદ્ધ શાકાહારી વાનગીઓ કૃષ્ણને ધરાવવામાં આવી હતી.
બેંગકોકમાં મંદિર વિસ્ફોટમાં બે ભારતીયની ધરપકડઃ થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં બ્રહ્મા મંદિરમાં થયેલા વિસ્ફોટ કેસમાં બે ભારતીયોની ધરપકડ થઇ છે. જોકે, તેમના નામ જાહેર કરાયા નથી પરંતુ સૈન્ય દ્વારા તેમની પૂછપરછ થઈ રહી છે. બંનેને સીસીટીવી ફૂટેજના આધારે પકડવામાં આવ્યા હતા. જ્યાંથી બોંબ બનાવવાની સામગ્રી જપ્ત થઇ ત્યાં નજીકમાં એક રૂમમાં આ બંને રહેતા હતા.
યુએઈમાં દાઉદની સંપત્તિ સકંજામાંઃ ભારત સરકારે ૧૯૯૩ના મુંબઈ બોંબ વિસ્ફોટના ભાગેડુ આરોપી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ પર કસેલો સકંજો વધુ મજબૂત બન્યો છે. યુએઈની સરકારે દાઉદ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. તાજેતરમાં યુએઈ સરકાર દ્વારા ભારતને એક યાદી સોંપાઇ છે. જેમાં જણાવાયું છે કે અમે કાર્યવાહી શરૂ કરી છે અને દાઉદ ઇબ્રાહીમની બેનામી સંપત્તિ જપ્ત કરવાની શરૂઆત કરાઈ છે.