ઈટાલિયન મરિનને સુપ્રીમ કોર્ટના જામીનઃ સરકારની સંમતિ

Friday 27th May 2016 08:30 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતની સર્વોચ્ચ અદાલતે ૨૦૧૨માં થયેલા બહુચર્ચિત માછીમારી હત્યાકાંડ કેસમાં ઈટાલિયન મરિન સાલ્વાતોર ગિરોનના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ભારત અને ઈટાલી વચ્ચે ન્યાયાધિકાર ક્ષેત્ર અંગેના મતભેદ દૂર થાય અને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થી દ્વારા યોગ્ય નિર્ણય લેવાય ત્યાં સુધી સાલ્વાતોર ગિરોન પોતાના દેશમાં રહી શકશે. જોકે આ જામીન માટે સુપ્રીમ કોર્ટે સાલ્વતોર સામે કેટલીક શરતો પણ નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે અન્ય એક ઈટાલિયન મરિન લાતોર પહેલેથી જ સ્વાસ્થ્યના કારણોસર ઈટાલીમાં જ છે. સુપ્રીમ કોર્ટે તેને ૩૦ સપ્ટેમ્બર સુધી ત્યાં રહેવાની પરવાનગી આપી છે.
ચુકાદો આપતી વેળા જસ્ટિસ પી. સી. પંત અને ડી. વાય. ચંદ્રચૂડની વેકેશન બેચે ઈટાલીના રાજદૂતને ટકોર કરતાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા ન્યાયાધીકરણ ક્ષેત્રાધિકાર (આઈએટી) દ્વારા ભારતની તરફેણમાં ચુકાદો આપવામાં આવશે તો તેમણે બંને મરિન્સને એક મહિનાની અંદર ભારતને સોંપી દેવા પડશે. આ શરણાગતિની સંપૂર્ણ જવાબદારી ઈટાલિયન રાજદૂતની જ રહેશે.
કોર્ટે ગિરોનના જામીન મંજૂર કરતાં કેટલીક શરતો મૂકી છે. જેમાં ગિરોન ઈટલી પહોંચે કે તરત જ તેણે પોતાનો પાસપોર્ટ ઈટલી ખાતે જમા કરાવી દેવો પડશે. તેમજ તેણે દર મહિને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે. આ હાજરીનો રિપોર્ટ ઈટાલિયન સત્તાવાળાઓએ ભારતીય દૂતાવાસને આપવો પડશે. મરિન કોઈ પણ સાક્ષી સાથે ચર્ચા કરી શકશે નહીં. આમાંની કોઈ પણ શરતનો ભંગ થશે તો જામીન તાત્કાલિ ધોરણ રદ્દ કરાશે
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે યોજાયેલી સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ પી. સી. નરસિંહાએ જણાવ્યું કે, ગિરોન સુપ્રીમ કોર્ટ દ્વારા સચવાયેલી તમામ શરતોનું પાલન કરતો હોય તો ભારત સરકારને તેના સ્વદેશ જવા સામે કોઈ વાંધો નથી. કોર્ટ દ્વારા લાગુ કરાયેલી શરતોના પાલનની બાયંધરીના આધારે જ માનવતાના ધોરણે જામીનનું સમર્થન કરીએ છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter