ઈટાલીના આ શહેરમાં વસવા માટે મળે છે લાખેણી ઓફર

Sunday 03rd December 2017 09:12 EST
 
 

કંડેલા (ઇટાલી)ઃ ઇટાલીનું આ શહેર લોકોને વસવાટ માટે આકર્ષક આર્થિક લાભ ઓફર કરી રહ્યું છે. કંડેલા શહેરના મેયર નિકોલા ગૈટાએ શહેરની ઘટતી વસતીને કારણે આ પગલું ભર્યું છે.
આ ઓફર હેઠળ સિંગલ લોકોને ૮૦૦ યુરો જ્યારે યુગલને ૧૨૦૦ યુરો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્રણથી પાંચ સભ્ય ધરાવતા પરિવારને ૧૫૦૦ થી ૧૮૦૦ યુરો આપવામાં આવશે. એટલું જ નહીં, પૈસા સિવાય કાઉન્સિલ બિલ પર ટેક્સ ક્રેડિટની સાથોસાથ ચાઇલ્ડ કેરની સુવિધા પણ મળશે. જોકે આ લાભ મેળવવા માટે લોકોએ કંડેલા જવું પડશે અને ત્યાં ૭૫૦૦ યુરો પ્રતિ વર્ષની નોકરી કરવી પડશે. છ પરિવાર નોર્થ ઇટાલીથી અહીં રહેવા આવી ગયા છે, જ્યારે પાંચ અન્ય પરિવાર આ પ્રોસેસમાં લાગેલા છે.
મેયરના જણાવ્યા પ્રમાણે એ શહેરની વસતી ફરીથી ૧૯૯૦ જેટલી એટલે કે ૮૦૦૦ કરવા ઇચ્છે છે એથી તેમણે આ નિર્ણય લીધો છે. હાલમાં આ શહેરની વસતી ૨૭૦૦ છે. એક સમય હતો જ્યારે આ વિસ્તારની ગલીઓ ફેરિયાઓ, લોકો અને પર્યટકોથી ઊભરાતી હતી. આ શહેરમાં ન તો કોઈ પ્રદૂષણ છે અને ન તો ટ્રાફિકની કોઈ સમસ્યા. લીલાછમ શહેરમાં લાઇફ ક્વોલિટી બહુ સરસ છે. અર્થતંત્રમાં આવેલી તકલીફને કારણે કેટલાય લોકો, ખાસ કરીને યુવાનો રોજગારીની શોધમાં બહાર ચાલી ગયા. એ પછી વસતી ઘટતી જ ગઈ. સમસ્યાના સમાધાન માટે અનેક ઉપાય શોધવામાં આવ્યા. આખરે આર્થિક બેનિફિટનો આઇડિયા અમલમાં મૂક્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter