લંડનઃ વિશ્વની અજાયબી સમાન પિઝાના ઢળી રહેલા ટાવર વિશે કોણ જાણતું નહિ હોય. ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ સહિત ઘણી રેકોર્ડબૂક્સમાં પિઝા ટાવરનું નામ અંકિત થયેલું છે પરંતુ, હવે જર્મનીના નાનકડા ગામ ગાઉ-વેઈનહેમ - Gau-Weinheim ખાતે આવેલો 16મી સદીનો એક ટસ્કન ટાવર વધુ ઢળેલા ટાવર તરીકે રેકોર્ડબૂકમાં સ્થાન મેળવી રહ્યો છે. પિઝાનો ટાવર 3.97 ડીગ્રી ઢળેલો છે તેની વિરુદ્ધ ગાઉ-વેઈનહેમ ટાવર5.43 ડીગ્રી ઢળેલો છે.
ગાઉ-વેઈનહેમ કાઉન્સિલના કહેવા મુજબ જુલાઈમાં તેનો મધ્યયુગીન બેલટાવર 5.43 ડીગ્રી જેટલો નમેલો હતો. આ સાથે તેણે નોર્થ જર્મનીના સુર્હ્યુસેન- Suurhusen ના 5.19 ડીગ્રીના ઢોળાવને પાછળ પાડી દીધો છે. આ ઉપરાંત, આ ગામથી 35 માઈલ ઉત્તરે આવેલા ડાઉસેનાઉ- Dausenau ગામે કિલ્લાનો ટાવર 5.24 ડીગ્રીનો ઢોળાવ ધરાવે છે પરંતુ, તે રેકોર્ડબૂક્સમાં આવ્યો નથી કારણકે તે કિલ્લો ખંડેર તરીકે વર્ગીકૃત કરાયેલો છે. જોકે, વાસ્તવિકતા એ પણ છે કે અગાઉ, પિઝાનો ટાવર 5.5 ડીગ્રી ઢળેલો હતો પરંતુ તે જમીનદોસ્ત ન થઈ જાય તેવા ભયથી ગત 30 વર્ષના ગાળામાં ધીરે ધીરે સીધો કરી હાલ તેનો ઢોળાવ 3.97 ડીગ્રી સુધી લવાયો છે.
ગાઉ-વેઈનહેમ કાઉન્સિલની વેબસાઈટ પર જણાવાયું છે કે તેમનો ટાવર સૌથી વધુ નમેલો હોવાનો રેકોર્ડ ધરાવે છે અને 11 સપ્ટેમ્બરના ઉત્સવ દરમિયાન તે અંગેનું સર્ટિફિકેટ પણ જારી કરવામાં આવનાર છે. ગામના રહેવાસીઓને આ ટાવર નમેલો હોવાની લાંબા સમયથી શંકા હતી. ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેનું નામ દાખલ કરાવવા પાછળ 17,400 યુરોનો ખર્ચ કરવામાં આવ્યો છે.