રોમ, લંડનઃ યુરોપમાં અને ખાસ કરીને ઈટાલીમાં કોરોના વાઈરસનો વિકરાળ પંજો મોતનું તાંડવ ફેલાવી રહ્યો છે. ઈટાલીમાં ચેપગ્રસ્તોની કુલ સંખ્યા ૭૦,૦૦૦ નજીક પહોંચી છે અને એક જ દિવસમાં ૭૯૩ લોકોનાં મોત સાથે વિશ્વમાં સૌથી વધુ ૬,૮૨૦ લોકોના મોત થયાં છે, જે વાઈરસના ઉદ્ગમસ્થાન ચીન કરતાં પણ વધી ગયાં છે. ચીનમાં વાઈરસે ૩,૨૮૧ લોકોનો ભોગ લીધો છે. ડોક્ટર્સ વકરી રહેલા રોગચાળાના ભરડામાંથી લોકોને બચાવવામાં અસહાય બની ગયા છે. કોરોના વાઈરસના વેગીલા પ્રસારને નાથવા ઈટાલીએ દેશમાં તમામ અવરજવર પર પ્રતિબંધ લાદી દીધો છે અને આવશ્યક ન હોય તેવાં બધા બિઝનેસીસ ત્રીજી એપ્રિલ સુધી બંધ કરી દીધા છે. નવા નિયમો હેઠળ સુપરમાર્કેટ્સ, બેન્ક્સ, ફાર્મસીઝ અને પોસ્ટ ઓફિસ સહિત આવશ્યક બિઝનેસીસને ચાલુ રાખવા પરવાનગી અપાઈ છે. જોકે, ઈટાલીમાં અભૂતપૂર્વ લોકડાઉનથી કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવામાં મદદ મળવાની આશા ઠગારી નીવડી છે. શબગૃહો અને ક્રીમેટોરિયમ્સમાં મૃતદેહોનો ઢગલો થઈ રહ્યો છે, જેની હેરાફેરી કરવા આર્મી ટ્રક્સનો ઉપયોગ થઈ રહ્યો છે.
યુરોપમાં કોરોના વાઈરસનું કેન્દ્ર બનેલા ઈટાલીમાં મોતના તાંડવથી ઈટાલિયન તબીબો હતાશ થઈ ગયાં છે. ચીનના વુહાનથી ઉદ્ભવેલા કોરોના વાઈરસે જાણે ઈટાલીમાં પગદંડો જમાવ્યો હોય તેમ ચેપગ્રસ્તો અને મોતની સંખ્યા અતિશય ઝડપે વધી રહી છે અને ચીન (૩,૨૮૧ મોત)ની સરખામણીએ ઈટાલીમાં વિશ્વમાં સૌથી વધુ ૬,૮૨૦ લોકોના મોત થયાં છે અને લોમ્બાર્ડીની હાલત સૌથી ખરાબ છે. કટોકટીગ્રસ્ત બેરગામોમાં હોસ્પિટલોમાં પેશન્ટ્સને શ્વાસ લેવામાં ભારે તકલીફ થતી હોવાનું દર્શાવતા વીડિયો પણ જાહેર થયાં છે. ડોક્ટરો અને હેલ્થ કર્મચારીઓ બચાવના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે પરંતુ, સફળતા મળી રહી નથી. દરરોજ ૫,૫૦૦થી વધુ ઈટાલિયનો ટેસ્ટ પોઝિટીવ થઈ રહ્યા છે અને મૃતકોની સરેરાશ વય ૭૮.૫ વર્ષ હોવાનું બહાર આવ્યું છે.
ખાસ કામ વિના બહાર નીકળવાનો દંડ
ઈટાલિયનોને ખાસ અનિવાર્ય કારણ વિના બહાર નીકળવા બદલ દંડ કરાઈ રહ્યો છે. વાજબી, મુલતવી ન રખાય તેમજ આરોગ્ય સંબંધિત કાર્ય વિના માર્ગો પર જવાનો પ્રતિબંધ છે. રોમમાં પોલીસ સ્ક્વોડ્સ દસ્તાવેજો તપાસે છે અને યોગ્ય કારણ વિના બહાર નીકળનારા પાસે દંડ વસૂલ કરવામાં આવે છે. ખરીદી કરવા નીકળેલાં લોકોને સરુપરમાર્કેટ્સના પ્રવેશ પર લાઈનમાં ઉભા રખાય છે જેથી, ગણતરીના ખરીદારોને અંદર જવા દેવાય. જોગર્સને પણ તેમની દોડ બ્લોકની આસપાસ સુધી મર્યાદિત રાખવા જણાવી દેવાયું છે.
મૃત્યુઆંક અને કન્ફર્મ કેસનો આંક વધતો રહ્યો છે. ઈટાલીમાં ૬૯,૧૭૬ ચેપગ્રસ્તો છે જે વિશ્વમાં પોઝિટિવ કેસ કરતાં બમણાથી વધુ છે. માત્ર ૨૪ કલાકમાં ૭૯૩ મોત નોંધાયા હતા જે, સમગ્ર વિશ્વમાં કોઈ પણ દેશ કરતાં વધુ છે. દેશમાં તાળાબંધી જાહેર કરવાથી રોગચાળાને ફેલાતો અટકાવી શકાશે તેવી આશા પણ ફળી નથી.
ઈટાલીમાં ૧૨ માર્ચથી ગ્રોસરી સ્ટોર્સ અને ફાર્મસી સિવાયની તમામ દુકાનો, શાળાઓ અને યુનિવર્સિટીઓ બંધ કરાવા સાથે પ્રવાસ પર ભારે નિયંત્રણો લદાયાં છે અને લોકોને ઘરમાં જ રહેવા આદેશ અપાયો છે. આમ છતાં, વાઈરસના કારણે દેશની આરોગ્ય સેવાઓ ભારે પ્રભાવિત થયેલી છે. ઈટાલીની મુલાકાતે આવેલી ચાઈનીઝ રેડ ક્રોસ ટીમે સંપૂર્ણપણે ક્વોરેન્ટાઈન અને રાષ્ટ્રીય તાળાબંધીને ગંભીરતાથી લેવામાં નિષ્ફળતા બદલ ભારે ટીકા કરી હતી.
આર્મી ટ્રક્સમાં કોફિન્સ દફન માટે લઈ જવાયા
સંખ્યાબંધ મૃતદેહોને ક્રીમેટોરિયમ્સમાં લઈ જવા માટે સમગ્ર ઈટાલીમાં આર્મી ટ્રક્સના કાફલાનો ઉપયોગ કરાય છે. આર્મીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મૃતદેહોને પડોશના પ્રાંતોમાં ખસેડવા ૧૫ ટ્રક અને ૫૦ સૈનિકને કામે લગાવાયા છે. કબ્રસ્તાનો પણ ભરાઈ ગયા છે. લોમ્બાર્ડીના બેરમાગો શહેરની હોસ્પિટલોમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ્સની પથારીઓ પર મૃતદેહો ગોઠવાયા હોય તેવાં વીડિયો ફૂટેજ જોવાં મળે છે. પેશન્ટ્સ શ્વાસ લેવાની ગંભીર તકલીફ અનુભવી રહ્યા છે. મહામારીના કારણે ઉત્તર ઈટાલીમાં ઊચ્ચ ગુણવત્તાની આરોગ્ય સેવાઓ પણ કેટલી પ્રભાવિત થઈ છે તે આના પરથી જોવા મળે છે. તબીબો કામચલાઉ તંબુઓમા કામ કરી રહ્યા છે અને હોસ્પિટલો કટોકટીમાં હોવાનું કહી રહ્યા છે. લોમ્બાર્ડીના ગવર્નરે કહ્યું છે કે ડોક્ટર્સ અને નર્સીસની ક્ષમતાની મર્યાદા આવી ગઈ છે. તેઓ જ માનસિક અને શારીરિક રીતે ખરાબ હાલતમાં આવી ગયા છે.
૧૦,૦૦૦ મેડિકલ વિદ્યાર્થીને ‘ડોક્ટર’ બનાવાયા
ઈટાલીમાં કોરોના વાઈરસના કારણે સંખ્યાબંધ મોત થવાથી હાહાકાર મચી ગયો છે. ડોક્ટર્સની અછત સર્જાઈ છે ત્યારે આ મુશ્કેલી સામે લડવા સરકારે ૧૦,૦૦૦ મેડિકલ વિદ્યાર્થીઓને હંગામી ડોક્ટર બનાવીને મેદાનમાં ઉતાર્યા છે અને તેમની પરીક્ષા પણ રદ કરાઈ છે. આ વિદ્યાર્થીઓને સ્થાનિક હોસ્પિટલોમાં તહેનાત કરાઈ રહ્યા છે, જેથી દેશ ઈતિહાસની સૌથી મોટી આરોગ્ય કટોકટીમાંથી બહાર આવી શકે. ઈટાલીના શિક્ષણપ્રધાન ગેટાનો મેનફ્રેડીએ કહ્યું કે અમે નિર્ણય લીધો છે કે પહેલી જવાબદારી આઠ-નવ મહિના પછી ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થીઓને અપાય. આ ઉપરાંત તેમની ક્વોલિફાય એક્ઝામ પણ રદ કરાય, જેથી તેઓ તણાવમુક્ત થઈને દર્દીઓને સાજા કરી શકે. આ નિર્ણયથી ડોક્ટરોની અછતને ઘણે અંશે પહોંચી વળાશે.
૯૯ ટકા મૃતકોને આરોગ્ય સમસ્યાઓ હતી
કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામેલા ૯૯ ટકા મૃતકોને અગાઉથી આરોગ્યની સમસ્યાઓ હોવાનું એક અભ્યાસમાં બહાર આવ્યું છે. ૩૫૫ મૃત્યુના સંશોધનમાં જણાયુ હતું કે માત્ર ત્રણ અથવા તો ૦.૮ ટકાને જ અગાઉ આરોગ્યની સમસ્યા ન હતી. લગભગ અડધા અથવા તો ૪૮.૫ ટકા મૃતકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો તે પહેલા ત્રણ અથવા વધુ, ૨૫.૬ ટકાને બે તેમજ ૨૫.૧ ટકાને આરોગ્યની એક સમસ્યા હતી.
અગાઉના સંશોધનોમાં પણ જણાયું છે કે આરોગ્ય સમસ્યા ધરાવનારાને કોરોના વાઈરસનો ચેપ લાગે તો તેમના મૃત્યુનું જોખમ વધી જાય છે. ઈટાલિયન અભ્યાસ અનુસાર આ સમસ્યાઓમાં હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ સામાન્ય રહે છે. ૭૬.૧ ટકા મૃતકને અગાઉ ધમનીના ઉચ્ચ રક્તચાપની સમસ્યા હતી જ્યારે, ૩૫.૫ ટકાને ડાયાબિટીસ, ૩૩.૦ ટકાને ઈસ્કેમિક હાર્ટ ડીસીઝની સમસ્યા હતી. અભ્યાસનું એક તારણ એ પણ હતું કે વાઈરસથી મોતનો શિકાર બનેલા પેશન્ટ્સની સરેરાશ ઊંમર ૭૯.૫ વર્ષની હતી.
લેઓફ પર પ્રતિબંધ અને ભાડાંમાં ઘટાડો
ઈટાલીમાં આર્થિક બચાવ યોજનામાં કંપનીઓને આગામી બે મહિના સુધી વાજબી કારણ વિના તેના વર્કરોને લેઓફ આપવા પર પ્રતિબંધ લગાવાયો છે જ્યારે, ભાડાં ઘટાડી દેવાયા છે. વડા પ્રધાન ગુઈસેપે કોન્ટેએ ૧૨૭ મુદ્દાના ૨૫ બિલિયન યુરો (૨૩ બિલિયન પાઉન્ડ)ના ‘ઈટાલિયન મોડેલ’ની જાહેરાત કરી છે. સરકાર સ્વરોજગારી અને ટુર ગાઈડ જેવા સીઝનલ વર્કર્સને ૬૦૦ યુરો તેમજ ઓછું વેતન મેળવતા કર્મચારીઓને ૧૦૦ યુરો બોનસ આપશે. શાળાઓ અને કિંગરગાર્ટન બંધ કરાયા છે ત્યારે બેબીસીટર્સના ખર્ચને પહોંચી વળવા પરિવારોને ૬૦૦ યુરોના વાઉચર્ચ આપશે. પોતાના બાળકોની સંભાળ રાખવા સ્વરોજગારી સાથેના લોકોને તેમની જાહેર માસિક આવકની અડધી રકમ ‘પેરન્ટલ લીવ’ ચૂકવણી તરીકે મળશે. સરકાર બંધ રહેતી દુકાનોના માલિકોને પણ વળતર આપશે.