મુંબઈ: ૨૦૦૯માં આઈપીએલની મેચોના પ્રસારણ અધિકારોની ફાળવણી સબંધિત લલિત મોદીના ૧૨૫ કરોડ રૂપિયાનાં મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને ખાસ બાતમી મળી છે. ઈડીને તાજેતરમાં મોરેશિયસ અને સિંગાપુરમાં આ કેસમાં સંડોવાયેલી વ્યક્તિઓ અને કંપનીઓની નાણાકીય વિગતોની માહિતી મળી હતી. આ કેસ સાથે સંકળાયેલાં સૂત્રોએ જણાવ્યું હતું કે દસ્તાવેજોમાં લેવડદેવડની મહત્ત્વની વિગતો ખૂલી છે, હવે ઈડી બીજો એક વિનંતીપત્ર (લેટર ઓફ રોગેટરી) મોરેશિયસ અને સિંગાપુરના સત્તાવાળાઓને મોકલી આઈપીએલના ભૂતપૂર્વ વડા લલિત મોદીના શંકાસ્પદ વહેવારોની વધારે વિગતો મેળવવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
આ મની લોન્ડરિંગ કેસ બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ એન. શ્રીનિવાસને ૨૦૧૦માં લલિત મોદી સામે કરેલી ફરિયાદ સંબંધિત છે. શ્રીનિવાસને મોદી અને અન્ય સામે ૪૨૫ કરોડ રૂપિયાની ગોલમાલના આરોપો મૂક્યા હતા. આ ગોલમાલ ૨૦૦૯માં આઈપીએલ મેચોના પ્રસારણઅધિકારોની ફાળવણી દરમ્યાન કરી હોવાનું મનાય છે. આ સોદામાં લલિત મોદીને ૧૨૫ કરોડ રૂપિયા મળ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.