વોર્સોઃ પોલેન્ડમાં બીજા વિશ્વયુદ્ધ સાથે સંકળાયેલા અવશેષો શોધવા ગયેલા લોકોને જંગલની અંદર દટાયેલો વિશાળ ખજાનો મળી આવ્યો છે. આમાં મોટા પ્રમાણમાં સોનાના સિક્કાનો સમાવેશ થાય છે, જે 1,800 અને 1,900ની વચ્ચે મોટાપાયે ઉપયોગમાં લેવાતા હતા. જેસકિન એક્સ્પ્લોરેશન ગ્રૂપ એસોસિયેશનના લુકાઝ ઇસ્ટેલ્સ્કી અને બે અન્ય લોકોની ટીમ જેસકિન પાસેના એક જંગલમાં બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલી ચીજો શોધવા ગઇ હતી, અને તેમના હાથમાં મોટો ખજાનો લાગ્યો હતો. તેમને જમીનથી લગભગ છથી આઠ ઈંચ નીચે દબાયેલો ધાતુનો ડબ્બો મળ્યો. ડબ્બાનું ઢાંકણ તોડતા જ અંદરથી હજારોની સંખ્યામાં સોનાના ચળકતા સિક્કા નીકળી પડ્યા હતા.
ઈસ્ટેલ્સ્કીએ પોલેન્ડમાં ‘ધ સાયન્સ’ને જણાવ્યું કે આ શોધ એક સ્વપ્ર જાણે સાચું થયું તેવી હતી. 1933 પહેલાના આ સોનાના સિક્કા ઘણા દુર્લભ છે. પ્રસ્તુત તસ્વીરોમાં 20 ડોલરનો સોનાનો સિક્કો દેખાય છે. સોનાના સિક્કાનો આ ભંડાર જંગલમાં કેવી રીતે આવ્યો તેની કોઈને ખબર નથી. આ સિક્કા સરકારને સોંપી દેવામાં આવશે. ઈસ્ટેલ્સ્કીના માનવા મુજબ આ સિક્કાનો સંબંધ બીજા વિશ્વયુદ્ધ સાથે છે.