લોસ એન્જેલસઃ લોસ એન્જેલસના ડોલ્બી થિએટરમાં ૯મી ફેબ્રુઆરીએ સાંજે ૯૨મો ઓસ્કર એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. હોલિવૂડ ઉપરાંત દુનિયાના અન્ય દેશોમાં બનતી ફિલ્મોનું પણ આ એવોર્ડ દ્વારા સન્માન થાય છે. ૯૨ વર્ષથી અપાતા આ એકેડમી એવોર્ડના ઈતિહાસમાં પ્રથમવાર અંગ્રેજીમાં ન બની હોય એવી દક્ષિણ કોરિયન ફિલ્મ ‘પેરસાઈટ’ને આ વખતે સર્વોત્તમ ફિલ્મનો એવોર્ડ એનાયત થયો હતો.
‘પેરસાઈટ’માં સેઉલમાં રહેતા એક મધ્યમ વર્ગીય પરિવારની સંઘર્ષકથા અને નજીકમાં રહેતા ઘનાઢ્ય પરિવાર સાથેના તેના સબંધો રજૂ કરાયા છે. ફિલ્મમાં કોમેડી અને ટ્રેજેડીનો ઘટનાક્રમ છે.
‘પેરસાઈટ’ ૬ કેટેગરીમાં નોમિનેટેડ હતી અને તેને ૪ ઓસ્કર મળ્યાં છે. ‘પેરસાઈટ’ને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્શન (ડિરેક્ટર-બોંગ જૂન હો), બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ અને ઓરિજનલ સ્ક્રીન પ્લે માટે પણ ઓસ્કર મળ્યાં છે.
આ સેરેમનીમાં ફિલ્મ ‘જોકર’માં જોકરનો રોલ કરનારા જોકિન ફિનિક્સને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. ‘જોકર’ને ૧૧ નોમિનેશન મળ્યાં હતાં, પરંતુ તેને બે જ ઓસ્કર મળ્યાં હતાં. ફિલ્મ ‘જૂડી’માં અભિનય માટે રિની ઝેલ્વેગરને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
ફિલ્મ ‘વન્સ અપોન ટાઈમ ઈન હોલિવૂડ’માં ચરિત્ર અભિનય માટે બ્રાડ પિટને સન્માન અપાયું હતું. ૩ દાયકાથી લાંબી કારકિર્દીમાં બ્રાડને પ્રથમ વાર ઓસ્કર મળ્યો છે. સપોર્ટિંગ એક્ટ્રેસનું સન્માન ફિલ્મ ‘મેરેજ સ્ટોરી’ માટે લૌરા ડ્રેનને મળ્યું હતું.
માર્ટિન સ્કોર્સિસની અલ પચિનો અને રોબર્ટ ડી નેરો જેવા કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘ધ આયરિશમેન’ને આ વખતે ૧૦ નોમિનેશન મળ્યાં હતા, પરંતુ તેને એક પણ એવોર્ડ મળ્યો નહીં.
કુલ મળીને ૨૪ કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ આપવામાં આવે છે. જાણીતા પોપ-રોક સિંગર એલ્ટોન જોનને ‘રોકેટમેન’ના ગીત માટે ઓરિજિનલ સોંગનો ઓસ્કર મળ્યો હતો. ૭૨ વર્ષીય જોનનો આ બીજો ઓસ્કર છે. ‘ટોય સ્ટોરી-૪’ને સર્વોત્તમ એનિમેટેડ ફિચર ફિલ્મનો, જ્યારે ‘અમેરિકન ફેક્ટરી’ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રીનો એવોર્ડ મળ્યો હતો.
આ વિજેતાઓ ઉપરાંત ફિલ્મ સર્જક ડેવિડ લિન્ચ, એક્ટર-પ્રોડયુસર વેસ્લી સ્ટડી અને સ્ક્રીનરાઈટ લિના વર્ટમુલરને ગવર્નર્સ એવોર્ડ એટલે કે ઓનરરી સન્માન અપાયું હતું. અમેરિકી અભિનેત્રી ગીના ડેવિસને હ્યુમેટેરિયન એવોર્ડ એનાયત થયો હતો. સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતમાં યોજાતો ઓસ્કર સમારોહ આ વખતે ફેબ્રુઆરીના પ્રારંભે જ યોજાયો હતો.
‘પેરસાઈટ’: ભારતમાં રિલીઝ પ્રથમ કોરિયન મૂવિ
‘પેરસાઈટ’ ભારતના થિએટરોમાં રિલીઝ થઈ હોય એવી પ્રથમ કોરિયન ફિલ્મ છે. ૩૧મી જાન્યુઆરીએ આ ફિલ્મ ભારતના ૧૫ શહેરોનાં ૪૦ જેટલા થિએટરમાં રજૂઆત પામી હતી.