સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે મોટો કૂટનીતિક વિજય મેળવ્યો છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ૭૧ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બ્રિટનને બહાર કરીને દલવીર ભંડારી ફરીથી જજ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમની સામે બ્રિટનના ક્રિસ્ટોફર ગ્રીનવૂડ હતા. વિજય માટે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા અને સુરક્ષા પરિષદ બન્નેમાં બહુમતી જરૂરી છે. મહાસભામાં ૧૧ વખત વોટિંગ થયું. બધામાં ભંડારી આગળ રહ્યા. પરંતુ સુરક્ષા પરિષદના ૧૫માંથી ૯ સભ્ય ગ્રીનવૂડની સાથે હતા. અવરોધો ખતમ થતા ન હોવાનું દેખાતા બ્રિટને ૧૨મા રાઉન્ડના મતદાનના કલાક પહેલાં જ ઉમેદવાર હટાવી લીધો. ત્યાર બાદ ફરી વોટિંગમાં ભંડારીને મહાસભામાં ૧૯૩માંથી ૧૮૩ અને સુરક્ષા પરિષદના બધા ૧૫ વોટ મળ્યા. વોટિંગના ૩ કલાક પહેલાં સુધી પાછળ હટવા દબાણ હતું.
૧૨મા રાઉન્ડના મતદાનના ૩ કલાક પહેલાં મહાસભા અધ્યક્ષ મિરોસ્લાવ લેજકક અને સુરક્ષા પરિષદ અધ્યક્ષ સેબસ્ટિયાનો કાર્ડીએ યુએનમાં બ્રિટિશ પ્રતિનિધિ મેથ્યુ રિક્રોફ્ટ અને ભારતના સૈયદ અકબરુદીન સાથે બેઠક કરી. બ્રિટને સંયુક્ત કોન્ફરન્સ પર અક્કડ વલણ અપનાવ્યું હતું. આગામી બે કલાકમાં ઘટનાક્રમ બદલાયો. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશ સચિવ રેક્સ ટિલરસન અને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતીય મૂળનાં રાજદૂત નિક્કી હેલી સાથે બેઠક કરી. મતદાનના એક કલાક પહેલાં બ્રિટને તેનો ઉમેદવાર ખસેડી લીધો. આમ તો જૂનમાં જ લોબિંગ શરૂ કરી દીધું હતું. વડા પ્રધાનનો પત્ર લઈને એમ. જે. અકબર વિદેશ ગયા હતા. જુલાઈમાં બ્રિક્સ સંમેલનથી અભિયાન શરૂ કર્યું. ચીનના પ્રમુખને મનાવાયા. સુરક્ષા પરિષદના ૧૫ સભ્યો સાથે વાત કરી. ૧૦૦થી વધુ સભ્યોને પત્ર લખી સમર્થન માગ્યું હતું.
સુષ્મા સ્વરાજે ૬૦ દેશોના વિદેશમંત્રીઓ સાથે વાત કરી. તેમના નીરિક્ષણમાં વિદેશ સચિવ એસ. જયશંકર અને યુએનમાં રાજદૂત અકબરુદ્દીનની ટીમે રણનીતિનો અમલ કર્યો.
એમ. જે. અકબર મોદીનો પત્ર લઈને અનેક દેશોમાં ગયા. ૨૧ ઓક્ટોબરે ઇજિપ્તના રાષ્ટ્રપતિને મળ્યા હતા. નાના દેશ સેનેગલના રાષ્ટ્રપતિ અને ઘાનાના રાજનેતાઓને પણ મળીને મનાવ્યા.
પ્રખ્યાત બ્રિટિશ માધ્યમોની ટિપ્પણી
ધ ઇન્ડિપેન્ડન્ટમાં જણાવાયું કે બ્રિટન અપ્રાસંગિક થઈ રહ્યું છે અને ભારતનું વધતું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. જે સંસ્થાની સ્થાપનામાં એક સમયે બ્રિટને મદદ કરી હતી. તેમાંથી બહાર થવાનું બતાવે છે કે યુરોપિયન યુનિયન છોડવાના નિર્ણય બાદથી તમે વૈશ્વક મંચ પર અપ્રાસંગિક થઈ રહ્યા છો. દુનિયામાં સૌથી મોટા લોકતંત્ર અને ઉભરતી અર્થવ્યવસ્થા તરીકે ભારતનું પ્રભુત્વ વધતું હોવાનું જોઈ શકાય છે.
બીબીસીના અહેવાલ પ્રમાણે આઈસીજેથી બહાર થવું દુનિયામાં બ્રિટનના ઘટતા પ્રભુત્વની નિશાની છે. ‘આઇસીજેમાંથી બહાર થવું વૈશ્વિક મંચ પર બ્રિટનના ઘટતા પ્રભુત્વનું પ્રતીક હશે. બ્રિટને પ્રયત્ન કર્યો. પરંતુ રાષ્ટ્રોના જૂથે બીજા પક્ષનું સમર્થન કર્યું. તેમને ન તો ડર લાગ્યો અને બ્રિટનની વાત પણ ન સાંભળી.’