મુંબઈઃ આશરે પખવાડિયા અગાઉ તુર્કીમાં સરકાર વિરુદ્ધ સૈન્યના એક જૂથે બળવો પોકાર્યો હતો અને ટેંક તેમજ ફાઇટર વિમાનોથી રાષ્ટ્રપતિ રેસેપ તય્યીપ એડોંગન વિરુદ્ધ જંગ શરૂ કર્યો હતો. તુર્કીમાં તખતાપટલ કરવાનું કાવતરું રચનાર સંગઠન ફેતુલ્લાહ ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન (FETO)નો ઘનિષ્ઠ સંબંધ મુંબઈ સાથે હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. માત્ર એટલું જ નહીં આ સંગઠન દ્વારા ભારતમાં પણ તુર્કીની જેમ સરકાર વિરુદ્ધ બગાવત કરવાનો પ્રયત્ન થઈ શકે એવી શક્યતાને નકારી ન શકાય. આ સંગઠન ભારતમાં કાર્યરત છે એવી ચેતવણી તુર્કી દૂતાવાસે આપી છે.
કાઉન્સિલ જનરલ અર્ડલ સબરી અર્ગને આરોપ મૂક્યો છે કે FETO મુંબઈ તેમજ ભારતના અન્ય ભાગોમાં શૈક્ષણિક સંસ્થા, સાંસ્કૃતિક સંગઠન તેમજ વ્યવસાયિક ઓર્ગેનાઇઝેશનના રૂપમાં મજબૂત નેટવર્ક ધરાવે છે. તુર્કીના કાઉન્સિલ જનરલે કહ્યું છે કે તુર્કીમાં તખતાપલટ કરવાનો પ્રયત્ન કરનાર સંગઠને ભારતમાં પણ સક્રિય છે જે જોખમી છે.