નવી દિલ્હીઃ ભારત ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ભારતના બ્રહ્મોસ મિસાઈલની માંગ અન્ય દેશોમાં વધી રહી છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ 26 જાન્યુઆરીએ ભારત આવી રહ્યાં છે ત્યારે, ભારત અને ઈન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ મિસાઈલને લઈને કરાર થઈ શકે છે.
ભારત અને રશિયાએ સાથે મળીને બનાવેલી બ્રહ્મોસ મિસાઈલની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડોનેશિયા ગણતંત્ર દિવસની પરેડમાં 400 સૈનિકો સાથે ભાગ લેવાનું છે. આ પહેલી વખત છે જ્યારે, કોઈ દેશના સૈનિકો આટલી મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યાં છે. બ્રહ્મોસ ડીલ સાથે ઈન્ડોનેશિયા દક્ષિણ પૂર્વ એશિયાનો ત્રીજો દેશ બની જશે.
આ પહેલા ફિલિપાઈન્સે ભારત પાસેથી મિસાઈલ ખરીદી છે. આ સિવાય વિયેતનામે પણ મિસાઈલની ડીલ કરી છે. 2020માં ઈન્ડોનેશિયાના રક્ષા મંત્રી તરીકે પ્રબોવો સુબિયાંતો ભારત આવ્યા હતા ત્યારે તેમણે ડીલ સાઈન કરી હતી. હવે, તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારે આ ડીલ ફાઈનલ થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મિસાઈલની ખાસિયત છે કે, તેને જમીન, હવા અને પાણીમાંથી લોન્ચ કરી શકાય છે. તે દુશ્મનના ટારગેટને ૬૫૦ કિમી દૂરથી પાડી શકે છે. આ મિસાઈલને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે, નિશાનચૂક વગર તે ટારગેટને હિટ કરી શકે છે.