જાકાર્તાઃ ઈન્ડોનેશિયાએ ભારત સાથેના રાજદ્વારી સંબંધોને ૭૦ વર્ષ પૂરા થયા હોવાના અવસરે રામાયણ વિષયવસ્તુ આધારિત ટપાલ ટિકિટ બહાર પાડી છે. ઈન્ડોનેશિયાના જાણીતા શિલ્પી પદ્મશ્રી બપાક ન્યોમન નૌરતા દ્વારા ડિઝાઈન્ડ ટપાલ ટિકિટમાં સીતાને બચાવવા બહાદુરીપૂર્વક લડી રહેલા જટાયુનું નિરૂપણ છે. ભારતીય દૂતાવાસે એક યાદીમાં આ માહિતી આપી હતી. હસ્તાક્ષર સાથેની આ વિશેષ ટપાલ ટિકિટને જાકાર્તાના ટપાલ ટિકિટ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે. તેવા અહેવાલ છે. ભારતના રાજદૂત પ્રદીપકુમાર રાવત અને ઈન્ડોનેશિયાના વિદેશ પ્રધાન અબદુરરહેમાન મહમદ ફાચીર ૨૪મી એપ્રિલે આ ટપાલ ટિકિટ વિમોચન પ્રસંગે હાજર રહ્યા હતા. બંને દેશોના રાજદ્વારી સંબંધોને ૭૦ વર્ષ પૂરા થયા હોવાના પ્રસંગે બંને દેશોએ સાથે મળીને ટપાલ ટિકિટ વિમોચન કાર્યક્રમનું આયોજન કર્યું હતું.