જાકાર્તા: ઇન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપસમૂહોમાં તાજેતરમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૨થી પણ વધારે લોકો લાપતા છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે કુદરતી આપત્તિને કારણે ઓછામાં ઓછા ૧૨ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. ખરાબ હવામાનના કારણે સેંકડો ઈમારતો, પુલ અને રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા હતા.
અધિકારીઓએ અમુક વિસ્તારોમાં પૂરના પાણી ઓસરી રહ્યા હોવાનું જણાવ્યું હતું, પરંતુ ઘણા વિસ્તારો હજુ પણ સંપર્કવિહોણા જ છે. નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે જો આગામી દિવસોમાં ફરીથી ભારે વરસાદ વરસશે તો પૂર અને ભૂસ્ખલનના કારણે સ્થિતિ વધારે બગડશે. વધુમાં તેમણે મૃતક આંક અને નુકસાનીના આંકડામાં વધારો થઈ શકે છે તેમ કહ્યું હતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મતે મૂશળધાર વરસાદ અને પૂરના કારણે પીવાના સ્વચ્છ પાણીની તંગી સર્જાઈ શકે છે. આ ઉપરાંત વરસાદ અને પૂરના કારણે યોગ્ય સફાઈ ન થઈ શકવાથી એલર્જી તથા ત્વચાસંબંધી બીમારીઓ ફેલાવાનો ખતરો તોળાયો છે. પૂરપીડિત વિસ્તારોમાં ફસાયેલા ૧૨ હજાર લોકોને સલામત સ્થળે ખસેડાયા છે અને તેમના માટે શેલ્ટર હોમ અને ભોજનની વ્યવસ્થા કરાઈ છે.