ઈન્ડોનેશિયાના મધ્ય જાવામાં યોગકાર્તા શહેરની નજીક ભવ્યાતિભવ્ય હિંદુ મંદિર આવેલું છે. નવમી સદીના આ મંદિરને પ્રમ્બાનન મંદિર અથવા કેન્ડી પ્રમ્બાનન તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં 1168મી વર્ષગાંઠ નિમિત્તે મંદિરના અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હિંદુ મંદિર સંકુલ તેના વિશાળ સ્થાપત્ય અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકેની ઓળખ માટે પ્રખ્યાત છે. હિંદુ સંજય વંશના શાસન દરમિયાન પ્રમ્બાનનનું નિર્માણ હિંદુ ધર્મના ત્રણ દેવતાઓ: બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રિદેવના સન્માન માટે કરવામાં આવ્યું હતું. મંદિરના સંકુલમાં અગાઉ કુલ 240 મંદિરો હતા. જે પ્રાચીન જાવાનીસ હિંદુ કળા અને સ્થાપત્યની ભવ્યતા દર્શાવે છે. આજે તેમાંના ઘણા મંદિરને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સાઈટ વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષે છે.