ઈમરાન ખાને વાળી લીધુંઃ પહેલો પરમાણુ હુમલો નહીં કરીએ

Wednesday 04th September 2019 08:31 EDT
 
 

લાહોર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછી ગભરાયેલું પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં અલગ પડી ગયું છે. વડા પ્રધાન ઇમરાન ખાન સહિતના નેતાઓ પરમાણુ યુદ્ધની ધમકી આપવા માંડ્યા હતા પરંતુ ભારતની જબરદસ્ત ડિપ્લોમેટિક વ્યૂહરચનાને કારણે ઇસ્લામાબાદ ઢીલું પડ્યું હોય તેમ જણાય છે. ઇમરાન ખાને સોમવારે લાહોરમાં શીખ સમુદાયને સંબોધન કરતા કહ્યું કે અમે પરમાણુ શસ્ત્રોનો પ્રથમ હુમલો નહીં કરીએ. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાન બન્ને પરમાણુ શક્તિ છે અને જો તંદગિલી વધશે તો સમગ્ર દુનિયામાં જોખમ ઊભું થશે. અમે ક્યારેય યુદ્ધની શરૂઆત નહીં કરીએ. ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાન અગાઉ ઘણી વાર પરમાણુ હુમલાની ધમકી આપી છે.
પાકિસ્તાનનો યુદ્ધોન્માદ
જમ્મુ-કાશ્મીરના મુદ્દે સમગ્ર વિશ્વમાં એકલોઅટુલો પડી ગયેલો પાકિસ્તાન પરમાણુ બોંબના જોરે યુદ્ધોન્માદ ફેલાવવા નીકળ્યો હતો. પાકિસ્તાને ૨૮મી ઓગસ્ટે મોડી રાત્રે પરમાણુ બોંબનું વહન કરવામાં સક્ષમ એવા ગઝનવી (હત્ફ-૩) મિસાઇલનું સફળ પરીક્ષણ કરી ઉશ્કેરણી ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે ૨૯મીએ ગઝનવી મિસાઇલના પરીક્ષણનો વીડિયો પોસ્ટ કરીને પરીક્ષણને સમર્થન આપ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું હતું કે, પાકિસ્તાને ૨૮મીની રાત્રે તાલીમ માટે જમીનથી જમીન પર પ્રહાર કરી શકે અને પરમાણુ શસ્ત્રોના વહનમાં સક્ષમ મિસાઇલ ગઝનવીનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ સંખ્યાબંધ વોરહેડ સાથે ૨૯૦ કિલોમીટર સુધી તીવ્ર ગતિથી પ્રહાર કરવામાં સક્ષમ છે. કરાચી નજીકના સોનમિયાની પરીક્ષણ કેન્દ્ર ખાતે આ મિસાઇલ ટેસ્ટ કરાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter