ઈમરાનને ગુગલી ભારે પડશે?ઃ નેશનલ એસેમ્બલી ભંગના નિર્ણયને કોર્ટમાં પડકાર

Thursday 07th April 2022 06:20 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં અભૂતપૂર્વ સ્થિતિ સર્જાઈ છે. ઈમરાન ખાનને સત્તા પરથી ઉથલાવવા માગતા વિપક્ષી નેતાઓને ઈમરાન ખાને અણધારી રીતે પોતાની ગૂગલીથી બોલ્ડ કરી દીધા છે. રખેવાળ વડાપ્રધાન ઇમરાન ખાનની ભલામણ પર રાષ્ટ્રપતિએ નેશનલ એસેમ્બ્લીને ભંગ કરી દીધી અને દેશમાં ચંટણીની જાહેરાત કરી છે. ઇમરાન ખાન સરકારે 90 દિવસમાં ચૂંટણીની જાહેરાત કરી હતી. જોકે આના ગણતરીના કલાકોમાં જ વિપક્ષે સુપ્રીમ કોર્ટમાં ધા નાંખતા ઇમરાનને તેની જ ગુગલી ભારે પડી જાય તેવી શક્યતા છે.
ઇમરાનના ગેરબંધારણીય પગલાથી નારાજ સંસદો એસેમ્બલીમાં જ ધરણાં પર બેસી ગયા હતા. વિપક્ષી પાર્ટીઓએ એસેમ્બ્લીમાં જ ધરણા પર બેસીને પોતાના સ્પીકરની પસંદગી કરી લીધી હતી. અને તેમણે અવિશ્વાસનો પ્રસ્તાવ પર વોટિંગ પણ કરાવ્યું હતું. તો પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે પણ આ ઘટનાની સુઓ મોટો નોંધ લઈને સુનાવણી હાથ ધરી એટર્ની જનરલને નોટિસ ફટકારી છે.
વિપક્ષી પાર્ટીઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પીએમએલ-નવાઝે પણ અવિશ્વાસ પ્રસ્તાવને રદ કરવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખે વડા પ્રધાન ઇમરાન ખાન અને ડેપ્યુટી સ્પીકરની કાર્યવાહીને બંધારણ વિરુદ્ધની ગણાવી હતી. તો પીપીપી નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું હતું કે તેઓ ચૂંટણીનો સામનો કરવા માટે તૈયાર છે, પરંતુ ઇમરાન ખાને બંધારણ પર પ્રહાર કર્યો છે.
બિલાવલ અને શાહબાઝ શરીફ બંને નેતાઓએ કહ્યું હતું કે તેઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોશે. ડેપ્યુટી સ્પીકર દ્વારા નેશનલ એસેમ્બ્લીને ભંગ કરવાના નિર્ણયની જાહેરાત કરાયા બાદ વિરોધ કરેલી રહેલા વિપક્ષના સાંસદોએ પીએમએલ-નવાઝના સાંસદ અયાઝ સાદિકને નવા સ્પીકર તરીકે ચૂંટ્યા હતા. વિપક્ષે શાહબાઝ શહીરને દેશના નવા વડાપ્રધાન પણ જાહેર કરી દીધા છે. શાહબાઝે માગ કરી હતી કે ઈમરાન ખાન અને સ્પીકર બંને પર બંધારણની કલમ 6 હેઠળ કેસ ચલાવવો જોઈએ. દરમિયાન પાકિસ્તાની સેનાએ સમગ્ર ઘટનાક્રમને રાજકીય ગણાવી તેમા પોતાની કોઈપણ ભૂમિકા હોવાની વાત નકારી હતી.
ઇમરાન સામે કઈ કાર્યવાહી થઈ શકે?
કોર્ટમાં જો ડેપ્યુટી સ્પીકરના અવિશ્વાસ પ્રસ્તાવને રદ કવાના અને સરકારની નવેસરથી ચૂંટણીના નિર્ણયને ગેરબંધારણીય જાહેર કરાયો તો ઇમરાન સરકાર બંધારણની કલમ 5(2)ના ભંગ બદલ દોષી સાબિત થઈ જશે અને તે સ્થિતિમાં તેમની સામે કલમ6 હેઠળ કાર્યવાહી કરાશે કલમ 6 હેઠળની જોગવાઈઓ અનુસાર તેઓ રાષ્ટ્રદ્રોહ માટે દોષી સાબિત થઈ શકે છે અને તેના માટે મોતથી માંડીને આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈ છે.
અવિશ્વાસ પ્રસ્તાવને રદ નહીં કરવા ચેતવણી
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાન અને સ્પીકર અસર કૈસરે ઇમરાન ખાનને ચેતવણી આપી હતી કે સંસદમાં તેમની તરફથી અવિશ્વાસ પ્રસ્તાવને વોટિંગ વિના જ રદ કરવા અંગેનો કોઈ પણ નિર્ણય ગેરબંધારણીય રહેશે. બંને તરફથી ઇમરાન ખાનને આ પ્રકારના પગલા નહીં ઉઠાવવાની સલાહ અપાઈ હતી.

અમેરિકન રાજદૂત ડોનાલ્ડ લૂ સરકાર તોડવાના કાવતરામાં સામેલઃ ઇમરાન

પાકિસ્તાનમાં પોતાની ચૂંટાયેલી સરકાર તોડી પાડવા પાછળ વિદેશી સરકારનો હાથ હોવાનો સતત દાવો કરનારા કાર્યવાહક વડા પ્રધાન ઈમરાન ખાને પહેલી વખત આ મુદ્દે એક અમેરિકન રાજદૂતનું નામ જાહેર કર્યું છે. 
ઈમરાન ખાને રવિવારે જણાવ્યું હતું કે અમેરિકન રાજદૂત ડોનાલ્ડ લૂ પાકિસ્તાન સરકારને તોડી પાડવાના કાવતરાંમાં સામેલ છે. ઈમરાને નેશનલ એસેમ્બલી ભંગ થયા પછી આ દાવો કર્યો હતો. ડોનાલ્ડ લૂ અમેરિકન વિદેશ વિભાગમાં સાઉથ સેન્ટ્રલ એશિયા વિભાગમાં આસિસ્ટન્ટ સેક્રેટરી છે.
આ પહેલા રવિવારે પાકિસ્તાનની સંસદમાં મંત્રી ફવાદ ચૌધરીએ જણાવ્યું કે ડોનાલ્ડ લૂએ જે કહ્યું તેની પાછળ અમેરિકન પ્રમુખ જો બાઈડેન છે. રાષ્ટ્રને સંબોધન કરતાં ઈમરાને કહ્યું કે મેં વિપક્ષ અને દેશને આશ્ચર્યચકિત કરી દીધા છે. તેમણે સવાલ કર્યો કે વિદેશી ડિપ્લોમેટ્સ વિપક્ષને શા માટે મળી રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter