લંડનઃ એપ્રિલ મહિનાથી અમલી થનારી યોજના અનુસાર ટિયર-ટુ માઈગ્રન્ટસ- બિન-ઈયુ વર્કરને નોકરી રાખવા બદલ બિઝનેસીસે પ્રતિ વર્કર ૧૦૦૦ પાઉન્ડનો ઈમિગ્રેશન સ્કિલ્સ ચાર્જ ભરવાનો થશે. ઈમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ ગુડવિલે બ્રેક્ઝિટ પછી ઈયુ વર્કર માટે પણ આ ટેક્સ લાગુ કરાશે તેવી જાહેરાત કરી હતી. બિઝનેસીસ દ્વારા ભારે વિરોધના કારણે વડા પ્રધાન થેરેસા મેએ હસ્તક્ષેપ કરી ઈયુ વર્કર માટે આ ટેક્સ લાગુ નહિ થાય તેવી સ્પષ્ટતા કરવી પડી છે. બિન-યુકે વર્કર માર્ટે વાર્ષિક ૧,૦૦૦ પાઉન્ડનો ટેક્સ લાદવાનો હોય તો ચાર વર્ષના કોન્ટ્રાક્ટ માટે એમ્પ્લોયરે ૪,૦૦૦ પાઉન્ડનો ટેક્સ ભરવાનો થશે.
ઈયુ નેતાઓ સાથે થેરેસા મેની આગામી બ્રેક્ઝિટ વાટાઘાટોમાં મુક્ત અવરજવર અંગે ઈયુ નિયમો કેન્દ્રસ્થાને રહેવાના છે. સરકારે જણાવ્યું છે કે દેશમાં આવનારા લોકોની સંખ્યા પર તે અંકુશ લાદવા ઈચ્છે છે પરંતુ, બ્રેક્ઝિટ પછીની ઈમિગ્રેશન નીતિ ઘડવાની હજુ બાકી છે ત્યારે બ્રેક્ઝિટ પછી ઈયુ વર્કરને નોકરીએ રાખવા બદલ પેઢીઓએ ટેક્સ ભરવો પડશે તેવી દરખાસ્તને તદ્દન નકામી ગણાવી છે. વડા પ્રધાન થેરેસા મે નેટ ઈમિગ્રેશન ૧૦૦,૦૦૦થી નીચે લાવવા પ્રતિબદ્ધ છે. વડા પ્રધાનની પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઈમિગ્રન્ટ વર્કર પર વાર્ષિક ૧,૦૦૦ પાઉન્ડ લેવી લાદવાની બાબત સરકારના એજન્ડા પર નથી. ઘણા વિકલ્પો વિચારણા હેઠળ છે.
ઈમિગ્રેશન મિનિસ્ટરે બિન-ઈયુ માઈગ્રન્ટ્સને નોકરીએ રાખવા પેઢીઓ પર વાર્ષિક ૧૦૦૦ પાઉન્ડના ચાર્જની યોજના વિશે લોર્ડ્સ ઈયુ કમિટી સમક્ષ જણાવ્યું હતું કે અત્યારે યોજના બિન-ઈયુ માટે લાગુ કરાશે અને બ્રેક્ઝિટ પછી બ્રિટનમાં આવનારા તમામ ઈમિગ્રન્ટ્સને લાગુ પડશે. જોકે, ઈયુ વર્કરને નોકરીએ રાખવા માટે લેવી લાદવાના મુદ્દે ભારે ઉહાપોહ થયો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રવક્તા ડોન ફોસ્ટરે જણાવ્યું હતું કે આનાથી બ્રિટિશ બિઝનેસીસનો વિનાશ જ થશે.