ઈરાક અને સીરિયામાં આતંકી સંગઠન આઈએસએ મોસુલ શહેર પાસે ૩૦૦ જેટલા યહૂદી કેદીઓની સામૂહિક હત્યા કરી હતી. પ્રાપ્ત વિગતો પ્રમાણે આઈએસના આતંકીઓએ ૩૦૦ યહૂદી કેદીઓને લઈને મોસુલ શહેરના તલઅફાર વિસ્તારમાં લઈ જઈને તેમની હત્યા કરી હતી.
વિકલાંગ બગદાદીએ પશ્ચિમી દેશો સાથે બદલો લેવાની નેમ લીધીઃ ઈરાક અને સીરિયામાં કત્લેઆમ ચલાવનારા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના વડા અબુ બર્ક અલ-બગદાદીની એક હુમલામાં કમર તૂટી ગયા બદા તે વિકલાંગ થઈ ગયો છે. બ્રિટિશ અખબાર ‘ધી ગાર્ડીયન’ મુજબ બે ડોક્ટર્સ મૌસુલના ગુપ્ત ઠેકાણે બગદાદીનો ઇલાજ કરી રહ્યા છે. તો બીજી તરફ તેમના વડાની આ હાલત જોઈ સંગઠન ધૂંઆપૂંઆ થઈ ઊઠ્યું છે. તેમણે પશ્ચિમી અને યુરોપિયન દેશો સાથે બદલો લેવાની નેમ લીધી છે.
મલાલા પર હુમલાના ૧૦ દોષિતોને આજીવન જેલઃ નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ પર જીવલેણ હુમલો કરનારા ૧૦ દોષિતોને આજીવન જેલની સજા ફટકારવામાં આવી છે. ૧૯ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ ૧૪ વર્ષીય મલાલા સ્કૂલેથી પરત આવી રહી હતી ત્યારે સ્વાત ખીણના મિંગોરા શહેરમાં હુમલો થયો હતો.
બંને દેશોના સંબંધો માટે ભારત જવાબદાર: ભારત-પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષી સંબંધોના પ્રયાસોમાં પ્રગતિ ન થવા બદલ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે ભારતને જવાબદાર ગણાવીને કહ્યું કે, કાશ્મીર જેવા મુદ્દાના ઉકેલ માટે પાકિસ્તાન ભારત સાથે રચનાત્મક સંવાદ સાધવા ઇચ્છે છે. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, ભારત સાથેની મૈત્રીની પ્રક્રિયાને આગળ ધપાવવા મેં મોદીના શપથવિધિમાં હાજર રહેવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતે બિનજરૂરી બહાના હેઠળ એકપક્ષીય રીતે દ્વિપક્ષી સંવાદને અટકાવી દીધો.
શ્રીલંકામાં બે વર્ષે સંસદે બંધારણીય સુધારા પસારઃ શ્રીલંકાની સંસદે ગત સપ્તાહે મહત્વના બંધારણીય સુધારા પસાર કર્યા હતા. બે વર્ષની ચર્ચાને અંતે સુધારાને અંતિમ રૂપ અપાયું હતું. તે સુધારામાં રાષ્ટ્રપતિની કેટલીક સત્તાઓ પર કાપ મૂકતી જોગવાઇનો સમાવેશ થાય છે.