નવી દિલ્હીઃ ભારતનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં ઇરાકની મુલાકાતે ગયું હતું. જોકે, તેમને ત્યાં જે જોવા મળ્યું હતું એનાથી પ્રતિનિધિ મંડળના સભ્યો આશ્ચર્યચકિત થઇ ગયા છે. વાત એવી છે કે આ પ્રતિનિધિ મંડળને લગભગ ૪૦૦૦ વર્ષ જૂનાં કેટલાંક ભીંતચિત્રો જોવા મળ્યાં છે. અયોધ્યા શોધ સંસ્થાનનો આ ભીંતચિત્રો વિશે દાવો છે કે, એ ભગવાન શ્રી રામનાં ચિત્રો છે.
ઇરાકના દબંદ ઈ બેલુલા નામથી ઓળખાતા ખડકમાં આ પૌરાણિક ચિત્ર જોવા મળ્યું છે. આ વિસ્તાર ઈરાકના હોરેન શેખાન વિસ્તારમાં એક સાંકડા રસ્તા પર આવેલો છે. ખડકમાં જોવા મળેલા આ ચિત્રમાં ધનુષ પર તીર ચઢાવીને નિશાન લઈ રહેલા રાજા જોઈ શકાય છે. ખભા પર તીરનું ભાથું છે અને કમરપટ્ટા પર એક તલવાર લટકાવેલી છે. તેની સાથે એક બીજું ચિત્ર પણ જોવા મળે છે.
આ અંગે અયોધ્યા શોધ સંસ્થાનના ડાયરેક્ટર યોગેન્દ્ર પ્રતાપ સિંહ કહે છે કે આ છબિ હનુમાનજીની છે. જોકે ઇરાકના નિષ્ણાતોનો દાવો અલગ છે. તેમના કહેવા પ્રમાણે આ ચિત્ર પહાડી વિસ્તારમાં રહેતી જનજાતિના પ્રમુખ ટાર્ડુનીની છે.
અયોધ્યા શોધ સંસ્થાનનું કહેવું છે કે ઇરાકમાં મળી આવેલા આ નિશાન કહી રહ્યા છે કે ભગવાન રામ માત્ર પુરાણકથા નથી. તેમનું અસ્તિત્વ એક સત્ય છે. સિંધુ ખીણ અને મેસોપોટેમિયાની સભ્યતાઓ વચ્ચે સંબંધ સ્થાપિત કરવા માટેનો આ પહેલો અધિકારીક પ્રયાસ હતો.
મેસોપોટેમિયાના એક હિસ્સા પર ઇસવી સન પૂર્વે ૪૫૦૦થી ૧૯૦૦ વર્ષની વચ્ચે સુમેરિયો નામની પ્રજાતિનું શાસન હતું. તેઓ ભારત આવ્યા હતા અને સિંધુ ખીણ સભ્યતા સાથે જોડાયા હતા તેનું પ્રમાણ આ ભીંતચિત્ર છે. હવે ઉત્તર પ્રદેશના સાંસ્કૃતિક વિભાગે આ ભીંતચિત્રની પ્રતિકૃતિ પ્રાપ્ત કરવા માટે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેને અયોધ્યામાં મૂકવાની યોજના છે.