કંદોવન (ઇરાન)ઃ દરેક માનવ સમૂદાય પોતાની જરૂરત મુજબ રહેઠાણ બનાવતો હોય છે. પ્રાચીન સમયમાં માણસ કાચા ઝુંપડા જેવા રહેઠાણમાં રહેતો હતો. આધુનિક સમયમાં માણસ અઢળક સુવિધાઓ ધરાવતા બંગલાઓથી માંડીને હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહે છે, પરંતુ ઇરાનના કંદોવન નામના ગામમાં લોકો આજે પણ પથ્થરમાં કોતરેલા ગુફા જેવા ઘરોમાં રહે છે.
આ ગામ ઇરાનના પૂર્વીય અઝરબેઝાન પ્રાંતમાં સુલતાન દાગી સબલાન પર્વતની એક ટોચ પર આવેલું છે. દૂરથી જોતા જાણે કે કોઇ જંગલી શંકુ આકારના પથ્થરમાં કોતરેલા ઘરોની ડિઝાઇન જ દુનિયામાં આવી ગયા હોવાનું અનુભવે છે. પથ્થરોને હાથથી કોતરવામાં આવ્યા હોવાથી અદભૂત ખડકાળ સ્થાપત્ય માટે જાણીતું બન્યું છે. ખડકના દરેક ઘરમાં ઓરડાઓ, ૨સોડું, હોલ અને રૂમમાં બારીઓ જોવા મળે છે. આ મકાનો (કહો કે ગુફા) મોટા ભાગે બે માળની છે. કેટલાક કિસ્સામાં ત્રણથી ચાર માળ પણ જોવા મળે છે. એક માળથી બીજા માળને જોડવા માટે દાદરા પણ ધ્યાન ખેંચે તેવા છે. ગામમાં જાહેર સ્નાનાગાર, સ્કૂલ અને ધાર્મિક સ્થળ પણ બાંધવામાં આવ્યા છે.
આમ તો તુર્કીનું કેપ્પાડોસિયા અને કોલોરાડોના મેનિટોઉ કિલફ ડેવલિંગ્સમાં આ પ્રકારનું માળખું જોવા મળે છે પરંતુ કોઇ વસવાટ કરતું નથી. એ જોતા ખડકાળ કંદોવાન દુનિયાનું એક માત્ર આ પ્રકારનો માનવ વસવાટ ધરાવતું ગામ છે. ખડકાળ સ્થાપત્યમાં કયાંક મધપૂડા જેવો આકાર અને અનિયમિત સપાટી પર છિદ્રો પણ જોવા મળે છે. આ ખડકોની ઉંમર 700 થી 1500 વર્ષની હોવાનું માનવામાં આવે છે.
પેઢી દર પેઢી બદલાતી રહી પરંતુ મકાનની ડિઝાઇન સદીઓ જુની જ રહી છે. એવું મનાય છે કે મંગોલ આક્રમણખોરોથી બચવા માટે એકાંત સ્થળ કેટલાક લોકો અહીં છુપાયા હતા. ત્યાર પછી શહેરી વિસ્તારમાં પાછા જવાના સ્થાને બાપદાદાઓ પહાડો ખોદીને ગુફા જેવા ઘર તૈયાર કરીને રહેવા લાગ્યા. સમય સંજોગો બદલાતા ગયા, પણ પેઢીઓથી ગામલોકો અહીંયા જ રહે છે. હાલ આ ગામમાં કુલ 700 લોકો વસવાટ કરે છે.
શંકુ આકારના પથ્થરમાં કોતરેલા ઘરોની ડિઝાઇન બહારથી સાવ સામાન્ય જણાય છે પરંતુ અંદરથી કુદરતી રીતે જ વાતાનૂકૂલિત છે. હવામાનની વાત કરીએ તો, ગુફામાં ગરમી અને ઠંડી સામે રક્ષણ મળી રહે છે. કંદોવનવાસીઓને પોતાના આ વિશિષ્ટ ઘરમાં શિયાળામાં હિટર કે ઉનાળામાં એસીની જરૂર પડતી નથી. શિયાળો લાંબો રહેતો હોવાથી લોકો ઘરની બહાર નીકળે ત્યારે ગરમ વસ્ત્રો પહેરે છે. ગામ લોકોને ગુફા જેવા નાના ઘરમાં રહેવું ખૂબ આરામદાયક લાગે છે.
લોકો આજીવિકા માટે મધપાલન,અને હસ્તકળા સાથે સંકળાયેલા છે. અખરોટ, બદામ પણ વેચે છે. આ ગામના પ્રાચીન ઘરો અને તેના સ્થાપત્ય અંગે જાણવા સમજવા માટે પ્રવાસીઓ મુલાકાતે આવે છે. આસપાસની સુંદર ખીણો, આહલાદક વાતાવરણ પણ આકર્ષે છે.