તહેરાનઃ ઈરાને તાજેતરમાં ભારત સામે વધુ એક કૂટનીતિક પગલું ભર્યાનું જણાયું છે. ઈરાને ચાબહાર રેલવે પ્રોજેક્ટમાંથી ભારતને બહાર કર્યા પછી હવે ગેસ એક્સ્પ્લોરેશન પ્રોજેક્ટમાંથી પણ ભારતને ખસેડ્યું હોવાના અહેવાલ ૧૭મી જુલાઈએ મળ્યાં છે. વિદેશમંત્રાલયના ભારતીય પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે મીડિયાને ટાંકીને જણાવ્યું હતું કે, ઈરાન દ્વારા ફારજાદ-બી બ્લોક વિકાસ યોજનામાં પણ એકલા હાથે આગળ વધવાના સંકેત અપાયા છે. ઈરાને ભારતને જણાવ્યું છે કે, હાલમાં તો આ પ્રોજેક્ટ તે જાતે કરશે અને જરૂર જણાશે ત્યાં ભારતની મદદ લેવાશે. આ સાથે જ તેણે ઓએનજીસીને આ પ્રોજેક્ટમાંથી દૂર કરવાનો આડકતરો સંદેશ પાઠવી દીધો છે.
નીતિગત ફરેફારોની અસર
ભારત અને ઈરાન વચ્ચે ફારજાદ બી ગેસ ફિલ્ડના એક્સ્પ્લોરેશન માટે સમજૂતી ચાલી રહી હતી. આ દરમિયાન એક્સ્પ્લોરેશન સ્ટેજમાં ભારતની ઓએનજીસીને જોડવામાં આવી હતી. હવે ઈરાન દ્વારા નીતિગત ફેરફારો કરવામાં આવતા સ્થિતિ બદલાઈ છે. પ્રારંભિક પ્રોજેક્ટ હવે તે જાતે કરશે અને બાદમાં ભારતની મદદ લેશે.
૨૦૦૯થી ભારત સક્રિય
ગેસ ફિલ્ડનો આ કોન્ટ્રાક્ટ લેવા માટે ભારત ૨૦૦૯થી સક્રિય છે. ફારજાદ-બી બ્લોકમાં ૨૧.૬ ટ્રિલિયન ક્યૂબીક ફિટ ગેસનો ભંડાર છે. અહેવાલો પ્રમાણે ફારજાદ બી બ્લોક ડેવલપમેન્ટ માટે પહેલાં ઈરાન અને ઓએનજીસી વિદેશ દ્વારા જોઈન્ટ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો. ઇરાને તાજેતરમાં ચીન સાથે ૪૦૦ અબજ ડોલરની મોટી ડીલ કર્યા પછી ભારતને ચાબહાર રેલવે પરિયોજનામાંથી પડતું મૂક્યું છે. ઇરાને જણાવ્યું કે, આ યોજના માટે ભારત સાથે સમજૂતી થયાને ચાર વર્ષ થયાં છતાં ભારત આ માટે ફંડ આપતું નહોતું. તેથી ઇરાને હવે જાતે જ આ યોજના પૂરી કરવાનું નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ રેલ યોજના ચાબહાર પોર્ટથી જહેદાન વચ્ચેની હતી. ઇરાનના ટ્રાન્સપોર્ટ અને શહેરી વિકાસ પ્રધાન મોહમ્મદ ઇસ્લામીએ ૬૨૮ કિ.મી. લાંબી આ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ રેલવેલાઇન અફઘાનિસ્તાનના જરાંજની સરહદ સુધી વિસ્તારવામાં આવશે. માર્ચ ૨૦૨૨ સુધીમાં આ યોજના પૂરી પણ થશે તેવો દાવો કરાયો છે. આ ઘટનાક્રમ પછી અમેરિકા સામે ઇરાનને હવે ચીન સુરક્ષા પૂરી પાડશે, એવી શક્યતાઓ છે.