તહેરાનઃ ઈરાન દ્વારા અચાનક ભારતીય ચા અને ચોખાની આયાત પર પ્રતિબંધ લાદવામાં આવતાં ચોંકી ઊઠેલી ભારત સરકારે જવાબ માગ્યો છે. ભારતે ઈરાનસ્થિત પોતાના રાજદૂતને પૂછાવ્યું છે કે ઈરાની ખરીદદારોએ શા માટે ભારતની ચા અને ચોખા ખરીદવાનું બંધ કરી દીધું છે? તે અંગેના કારણ જણાવવામાં આવે. ઇન્ડિયન ટી એસોસિયેશને પણ આ મામલો તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસ સમક્ષ ઉઠાવ્યો છે.
ભારતીય ચા અને ચોખા માટે ઈરાન એક મોટું બજાર છે, જેથી અચાનક ત્યાં ભારતીય માલ ઉઠાવવાનું બંધ કરી દેવામાં આવતાં ઘેરા પડઘા પડ્યા છે. ઈરાનમાં ભારતીય ચા અને ચોખા પર લાદવામાં આવેલા પ્રતિબંધ અંગે સત્તાવાર કોઈ જાહેરાત હજુ કરવામાં આવી નથી, પરંતુ ખરીદદારો ભારતીય માલથી મોં ફેરવી રહ્યા છે તે હકીકત છે.
સૂત્રો અનુસાર ભારત દ્વારા ઈરાનથી આયાત થતાં કેટલાક ફળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ સંભવત ઈરાને બદલાની ભાવનાથી અચાનક ભારતીય ચા અને ચોખાની આયાત બંધ કરી દીધી છે. અધિકારીઓ ભારતીય ચા અને ચોખા પર આ રીતે પ્રતિબંધ લગાવવાને અસામાન્ય ઘટના ગણાવે છે. કારણ કે ભારતીય માલ અન્ય દેશો કરતાં સસ્તો છે. ભારતીય વિદેશ વાણિજ્ય અને કૃષિ મંત્રાલય આ મામલે હરકતમાં આવ્યું છે અને તપાસનો આદેશ આપ્યો છે.