સિંગાપુર - નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪મી નવેમ્બરથી સિંગાપોરના બે દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમણે અનેક દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ સિવાય મોદીએ ત્રીજા સિંગાપોર ફિનટેક ફેસ્ટિવલને સંબોધન કર્યું હતું. વડા પ્રધાને ત્યાં એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ એક્સચેન્જ પણ લોન્ચ કરી હતી. એપીઆઇએક્સ બેકિંગ ટેક્નોલોજી પ્લેટફોર્મ છે. તે ભારત, શ્રીલંકા અને બ્રિટનના સોફ્ટવેર ડેવલપર્સે બનાવ્યું છે, પરંતુ તેને અમેરિકામાં વર્તુસાના બોસ્ટન હેડક્વાર્ટસમાં વિકસાવાયું છે. તેનાથી ૧૦ આશિયાન દેશો સહિત દુનિયાના ૨૩ દેશોના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ૨ અબજ લોકોને જોડી શકાશે, જેમની પાસે હજી સુધી બેંક એકાઉન્ટ નથી.
અમેરિકા પાસે ભારતમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ બનાવવાની સોનેરી તક છે તેવો દાવો તેમણે કર્યો હતો. આશિયાન દેશો અને ઇસ્ટ એશિયામાં મૂડીરોકાણ માટે ભારત શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્થળ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
ભારતને ૬ મોટા લાભ
મોદીએ કહ્યું કે, ભારત, ફિનટેક અને સ્ટાર્ટઅપ કંપનીઓ માટે સુયોગ્ય છે. આપણે એ યુગમાં છીએ, જ્યાં ટેકનિકના માધ્યમથી ઐતિહાસિક પરિવર્તન લવાઈ રહ્યું છે. ડેસ્કટોપથી લઈને ક્લાઉડ સર્વિસીસ સુધી, આઇટી સેવાઓથી લઈને ઇન્ટરનેટ સુધી, આપણે ઓછા સમયમાં ઘણા આગળ આવી ગયા છીએ. હું દરેક ફિનટેક અને દરેક સ્ટાર્ટઅપને કહેવા માગું છું કે ભારત તમારા માટે ખૂબ જ સારું સ્થળ છે. ભારતમાં ફિનટેક ઇનોવેશન અને એન્ટરપ્રાઇઝની ઘણી ધૂમ મચી છે. તેથી ભારત વિશ્વના અગ્રણી સ્ટાર્ટઅપ દેશોમાંથી એક છે. ફિનટેક અને ઇન્ડસ્ટ્રી ૪.૦નું ભવિષ્ય ભારતમાં ઉજ્જવળ છે.
સભ્ય દેશોના વડાઓ સાથે ચર્ચા
સિંગાપુરમાં આશિયાન અને ઇસ્ટ એશિયા સમિટનું આયોજન કરાયું હતું. જેમાં જુદા જુદા દેશમાંથી ૩૦,૦૦૦થી વધુ લોકો ભાગ લઈ રહ્યાં હતાં. આ ઉપરાંત રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ યોજાઈ હતી. જેમાં મોદી અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સને મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન અને થાઇલેન્ડના જનરલ પ્રયુત ચાન-ઓ-ચા તેમજ સિંગાપુરના વડા પ્રધાન લી સિન લૂંગને મળ્યા હતા અને દ્વિપક્ષીય મુદ્દાઓની ચર્ચા કરી હતી.
દેશની ૧૨૮ બેંક યુપીઆઇ
મોદીએ કહ્યું કે ફિટેક ફેસ્ટિવલ વિશ્વાસનો ઉત્સવ છે. સિંગાપોર હવે નાણાકીય સેવાઓનું હબ છે, ગયા વર્ષે જૂનમાં મેં અહીંથી રૂપે કાર્ડ લોન્ચ કર્યું હતું. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) આધારિત ભારત ઇન્ટરફેસ ફોર મની (ભીમ)ની પણ શરૂઆત કરી. જે ઝડપથી આગળ વધી રહી છે. ભારતમાં રૂપે અને ભીમ એપ મારફત ડિજિટલ ટ્રાન્ઝેકશન વધ્યું છે. દેશના ૧૨૮ બેંક યુપીઆઇથી જોડાઈ છે. છેલ્લા
૨૪ મહિનામાં યુપીઆઇથી ટ્રાન્ઝેકશનમાં ૧૫૦૦ ગણો વધારો થયો છે. દર
મહિને ડિજિટલ ટ્રાન્ઝેકશન ૩૦ ટકા વધી રહ્યું છે.
ભારત અમેરિકા પાસેથી ૨૪ એમએચ-૬૦ રોમિયો હેલિકોપ્ટર ખરીદશે
ભારત નૌકાદળને મજબૂત બનાવવા માટે અમેરિકા પાસેથી ૨૪ મલ્ટિ રોલ એમએચ-૬૦ રોમિયો સબમરીન અવરોધી હેલિકોપ્ટર ખરીદવા માગે છે. સંરક્ષણ ઉદ્યોગ સંબંધિત સૂત્રોએ જણાવ્યું કે આ ડીલની કિંમત લગભગ ૨૦૦ કરોડ ડોલર હોઈ શકે છે. ભારતને એક દાયકાથી પણ વધારે સમયથી આવાં હેલિકોપ્ટરોની જરૂર છે. અમેરિકન ઉપરાષ્ટ્રપતિ પેન્સ અને મોદી વચ્ચે સિંગાપોરમાં થયેલી બેઠક બાદ આ ડીલ અંગે આગામી મહિનાઓમાં અંતિમ રૂપ અપાશે તેવી માહિતી છે. ભારતે ૨૪ મલ્ટિરોલ હેલિકોપ્ટર એમએચ-૬૦ રોમિયો સી હોકની તાત્કાલિક જરૂરને ધ્યાનમાં રાખી અમેરિકાને આગ્રહ પત્ર મોકલ્યો છે. તાજેતરના મહિનામાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સંબંધોમાં તેજી આવી છે. મોદી અને પેન્સની બેઠકમાં દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધ સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દા હતા.