ઈસ્તંબુલઃ તુર્કીના મહાનગર ઈસ્તંબુલના અતાતુર્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રસેલ્સની જેમ આત્મઘાતી હુમલો થયો છે. હુમલામાં ૪૧ લોકોનાં મૃત્યુ થયા છે જ્યારે ૨૫૦ ઘાયલ થયા છે. માર્યા ગયેલામાં ૧૩ વિદેશીઓનો સમાવેશ થાય છે. હુમલો સ્થાનિક સમયાનુસાર બુધવારે રાત્રે આઠ વાગ્યે થયો. તુર્કીમાં ચાલુ વર્ષનો અત્યાર સુધીનો આ આઠમો ત્રાસવાદી હુમલો છે. આ આતંકી હુમલા માટે ઈસ્લામિક સ્ટેટ અને કુર્દીશ કટ્ટરવાદીઓને જવાબદાર ઠેરવવામાં આવે છે.
ત્રણ ત્રાસવાદીઓ ટેક્સીમાં એરપોર્ટ પહોંચ્યા હતા અને સિક્યોરિટી ગેટ પર લાંબી લાઈન જોઈને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ૧૦થી ૧૫ મિનિટ બાદ ત્રાસવાદીઓએ આત્મઘાતી વિસ્ફોટ કરીને પોતાની જાતને ઉડાવી દીધી. હુમલા બાદ એરપોર્ટની આજુબાજુના રસ્તાઓ સીલ કરી દેવાયા હતા.
ઈસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓ પ્રત્યે નરમ વલણ દાખવવાના આરોપનો સામનો કરી રહેલા તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયબ એર્દોવાને વિશ્વને આતંકવાદ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય લડાઈમાં જોડાવાનો આગ્રહ કર્યો છે. વિશ્વભરમાં આ આતંકી હુમલાની આકરા શબ્દોમાં નીંદા કરવામાં આવી છે.
પોલીસ અધિકારીએ આતંકીને ઠાર માર્યો
ઘટનાના એક વીડિયો ફૂટેજમાં એક ત્રાસવાદી ફાયરિંગ કરતા કરતા ઈન્ટરનેશનલ ટર્મિનલ તરફ આગળ વધી રહેલો જોવા મળે છે. આ સમયે એક પોલીસ અધિકારી તેને ગોળી મારીને નીચે પાડી દે છે. તે ત્રાસવાદી પાસે પહોંચે છે, પરંતુ હુમલાખોર પોતાને વિસ્ફોટકથી ઉડાવવાનો પ્રયત્ન છે. પોલીસવાળા તેનાથી દૂર ભાગે છે. પળભરમાં જોરદાર વિસ્ફોટ થાય છે. અંધારુ છવાઈ જાય છે. જોકે, ખબર નથી પડી શકી કે હુમલામાં પોલીસ અધિકારી બચ્યા છે કે નહીં. જો ત્રાસવાદી ઈન્ટરનેશનલ ટર્મિનલમાં ઘૂસવામાં સફળ થઈ ગયો હોત તો વધુ નુકસાન પહોંચ્યું હોત.
બે પ્રચંડ ધડાકા અને ચીસો...
આતંકી હુમલાને નજરે નિહાળનાર વિલ કાર્ટરે જણાવ્યું કે પહેલાં બે પ્રચંડ ધડાકા થયા હતા. થોડાક અંતરે આગનો ગોળો ઊઠતો જોયો. લોકો ચીસો પાડી રહ્યા હતા. ફ્લોર પર લોહી દેખાઇ રહ્યું હતું. જ્યારે મોહંમદ અબ્દુલ્લાહે કહ્યું કે હું બહેનની સાથે હતો. મારી બિલકુલ પાછળથી ફાયરિંગ શરૂ થાય છે. હું ઝડપથી ખૂણામાં છુપાઇને સૂઈ જઉં છું. બહેન જીવ બચાવવા માટે દોડે છે. ત્યારથી તેનો કોઇ પત્તો નથી.
યુરોપમાં ત્રીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ
ઉલ્લેખનીય છે કે ઇસ્તંબુલ એરપોર્ટ દુનિયામાં ૧૧મું અને યુરોપમાં ત્રીજું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. ગત વર્ષે અહીંથી ૬.૨૦ કરોડ લોકોની અવરજવર થઈ. અહીં બે મુખ્ય ટર્મિનલ છે. ટર્મિનલ-વન ડોમેસ્ટિક અને ટર્મિનલ-ટુ ઈન્ટરનેશનલ પ્રવાસીઓ માટે છે.
સીરિયાનું સંકટ તુર્કી સુધી
તુર્કી પર સતત આતંકી હુમલા થઈ રહ્યા છે. અહીં કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી અને આઈએસ સક્રિય છે. તુર્કીમાં બે મોરચે સંઘર્ષ ચાલુ છે. પહેલો તુર્કીની અંદર અને બીજો સિરિયાની સરહદે. પીકેકે સાથે યુદ્ધવિરામ તૂટવાથી હુમલા વધ્યા છે. તેનો અર્થ છે કે સીરિયાનું સંકટ તુર્કી સુધી પહોંચ્યું છે.
આ વર્ષે તુર્કીમાં આઠ આતંકી હુમલા થયા છે. હુમલામાં ૧૪૦ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ૭૦૦થી વધુને ઈજા થઈ છે. તેમાં મોટા ભાગે આઈએસ દ્વારા હુમલા થયા. કેટલાકને કુર્દ જૂથોએ અંજામ આપ્યો છે. સીરિયામાં સેવા આપી ચૂકેલા અમેરિકી સૈન્યના લેફ્ટેનન્ટ કર્નલ રિક ફ્રાન્કોનાએ જણાવ્યા અનુસાર તુર્કી આઈએસનું સ્લીપર સેલ બની ગયું છે. અહીંથી દુનિયાના અન્ય દેશોમાં હુમલાનાં કાવતરાં ઘડાય છે. આથી ૧૦૦ ટકા સુરક્ષા આપવા હવે સરકાર પણ અસમર્થ છે. અન્ય તજજ્ઞો કહે છે કે, જો હુમલા પાછળ આઈએસનો હાથ હોય તો તેનો અર્થ એ છે કે આઈએસ હવે યુદ્ધ માટે તૈયાર છે.