નવી દિલ્હી: તમે માનો યા ના માનો, પરંતુ તુર્કીના ઈસ્તબુંલ એરપોર્ટ ખાતે ટોઇલેટમાં વારંવાર પાણી ભરાવવાની સમસ્યા સાથે ભારતને સીધો સંબંધ હોઈ શકે છે. ગુજરાતમાં ચાલતા ગેરકાયદે સ્થળાંતર રેકેટનો પર્દાફાશ કરતાં તપાસકારોને માહિતી મળી છે કે એક વાર ગેરકાયદે સ્થળાંતર કરનારા ઇસ્તંબુલ એરપોર્ટ પર ઉતરે ત્યારે તેમને તેમના એજન્ટો નકલી પાસપોર્ટ ફાડીને ટોઈલેટમાં ફ્લશ કરી નાંખવા જણાવે છે, પરિણામે તેમાં પાણીનો પ્રવાહ અટકી જતાં શૌચાલય જામ થઈ જાય છે.
આવું કરવા પાછળનું કારણ સમજાવતા એક તપાસ અધિકારીએ જણાવ્યું કે બોગસ પાસપોર્ટ સાથે પકડાવાથી આવા પ્રવાસીઓને તેમના દેશમાં પાછા મોકલી દેવાની સંભાવના વધી જાય છે. જાન્યુઆરીમાં કેનેડાની સરહદ નજીક ગાંધીનગરના ડીંગુચાના એક પટેલ પરિવારના ચાર સભ્યોની લાશ થીજેલી હાલતમાં મળી આવતા એજન્ટો દ્વારા સ્થળાંતરીઓને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ અપાવવા અજામાવાતી પદ્ધતિઓ પર એજન્સીઓનું ધ્યાન ફરી કેન્દ્રિય થયું છે. આ બનાવ બન્યા બાદ છેલ્લા એક મહિનાથી ગુજરાત પોલીસે પોતાની કાર્યવાહી વધારી નાંખી છે અને અત્યારે સુધીમાં આવા આઠ એજન્ટોનો પર્દાફાશ કર્યો છે જ્યારે બીજા અનેક તેના રડાર પર છે. તપાસ એજન્સીઓને જાણવા મળ્યું છે કે આવા સ્થળાંતર કરનારાની પસંદગીનો મુખ્ય માર્ગ છે તુર્કી-મેક્સિકો-અમેરિકા.
તપાસ અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે ગેરકાયદે સ્થળાંતર કરનારાને સખત સૂચના આપવામાં આવે છએ કે તેઓ ઈસ્તંબુલમાં ઉતરે તે જ ક્ષણે તેમણે વોશરૂમ માટે લાઈન લગાવવી અને તેમના બોગસ પાસપોર્ટનો નાશ કરવો.