અલ્જીયર્સઃ ઈદ નિમિત્તે પશુઓનો અપાતો બલિ તેમજ મુસ્લિમો દ્વારા સગીર છોકરીઓ સાથે થતાં લગ્ન અંગે પ્રશ્ર ઉઠાવતા અલ્જીરીયાના ૫૩ વર્ષીય પ્રોફેસર સૈયદ જાબેલખીરને ત્રણ વર્ષની જેલની સજા કરાઈ હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને ઈસ્લામની અવમાનના કરવાનો તેમના પર આરોપ મૂકાયો હતો.
તેમણે ઈ્સ્લામના રીતરિવાજ અને હેડીથ (મોહમ્મદ પયગમ્બરના ઉપદેશો) અંગે શંકા વ્યક્ત કરતાં તેમના પર ઈસ્લામ ધર્મ અને તેના રીતરિવાજની મજાક ઉડાવવાનો આ વર્ષની શરૂઆતમાં આરોપ મૂકાયો હતો. સાત વકીલો અને યુનિવર્સિટી ઓફ સીદી બેલ એબ્સના ટીચરે તેમની સામે ઈસ્લામના અનાદરની કરેલી ફરિયાદને પગલે કાનૂની કાર્યવાહી થઈ હતી. ફરિયાદીઓનું માનવું છે કે જાબેલખીરની ફેસબુક પોસ્ટ્સે ઈસ્લામના ધાર્મિક ઉપદેશોનો ભંગ કર્યો છે.
હાલ જામીન પર રહેલા પ્રોફેસરે તેમને અપાયેલી સજાની ગંભીરતા અંગે આઘાતની લાગણી વ્યક્ત કરી હતી અને વિચારોના સ્વાતંત્ર્ય માટેની પોતાની લડાઈ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી હતી. તેમણે એએફપી સાથેની વાતચીતમાં જણાવ્યું કે જરૂર જણાશે તો તેઓ કોર્ટ ઓફ કેસેશનમાં અપીલ કરશે. કડક સજા વિશે તેમણે જણાવ્યું કે તેઓ એક પ્રોફેસર છે, ઈમામ નથી અને તેથી તેમણે તર્ક અને વિવેચનાત્મક વિચારનો ઉપયોગ કરવો પડે. પ્રોફેસરે વિચાર સ્વાતંત્ર્યની લડત ચાલુ રહેશે તેમ કહી જણાવ્યું હતું કે તે અલ્જીરીયામાં સંશોધન કરે છે તે તેમનું કમનસીબ છે.
અલ્જીરીયામાં કોઈપણ વ્યક્તિ પયગમ્બરનું અથવા ઈસ્લામનું લખાણ, ચિત્ર, નિવેદન દ્વારા અથવા અન્ય કોઈપણ પ્રકારે અપમાન કરે તો તેને ત્રણથી પાંચ વર્ષની જેલ અને/અથવા દંડ કરવામાં આવે છે.