ઈસ્લામાબાદઃ પાકિસ્તાનન રાજધાની ઈસ્લામાબાદમાં પ્રથમ મંદિર બનવાનો વિરોધ શરૂ થયોછે. ધાર્મિક શિક્ષણ આપનાર સંસ્થા જામિયા અશર્ફિયાએ મંદિર બનાવવાની વિરુદ્ધમાં ફતવો બહાર પાડીને જણાવ્યું કે, મંદિરનું નિર્માણ ઈસ્લામની વિરુદ્ધ છે. ઉલ્લેખનીય છે કે મંદિરની શિલાન્યાસવિધિ પણ થઈ ગઈ હતી. પ્રધાનમંત્રી ઈમરાન ખાને તે માટે રૂ. ૧૦ કરોડ મંજૂર પણ કર્યાં હતાં. જામિયા અશર્ફિયાની લાહોર યુનિટના પ્રમુખ મુફ્તી જિયાઉદ્દીને કહ્યું કે, લઘુમતી સમાજના ધાર્મિક સ્થળોના જિર્ણોદ્ધાર માટે સરકારી પૈસા ખર્ચ કરવાની પરવાનગી છે, પરંતુ બિન-મુસ્લિમ માટે મંદિર કે નવું ધાર્મિક સ્થળ બનાવવાની મંજૂરી અપાઈ નથી. લોકોના ટેક્સના પૈસાને લઘુમતીઓ માટે મંદિર પાછળ ખર્ચવાના સરાકરના નિર્ણય ઉપર સવાલ ઊભો કરે છે. બીજી તરફ લઘુમતીના સાંસદ લાલચંદ મલ્હીએ કહ્યું કે વિરોધની પરવા નથી કરતા. મંદિરનું નિર્માણ ચાલું રહેશે. ઈસ્લામાબાદમાં હિન્દુઓની વસ્તી ત્રણ હજાર છે.
ઉલ્લેખનીય છે કે ઈસ્લામાબાદ હાઈ કોર્ટે મંદિર નિર્માણ સામેની અરજીમાં કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટીને નોટિસ ફટકારી છે. અરજી કરનારના જણાવ્યા મુજબ આ યોજના રાજધાની માટે તૈયાર માસ્ટર પ્લાન મુજબ નથી આવતી.