સેઉલ: ઉત્તર કોરિયાએ રવિવારે શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બનાં પરીક્ષણની જાહેરાત કરી હતી. આ બોમ્બ અણુબોમ્બ કરતાં ૯ ગણો શક્તિશાળી હોવાનું કહેવાય છે. ઉ. કોરિયાએ દાવો કર્યો છે કે આ ૬ઠ્ઠું પરમાણુ બોમ્બ પરીક્ષણ સફળ રહ્યું છે અને આ બોમ્બને લાંબા અંતરની મિસાઈલ્સ સાથે ગોઠવીને ટાર્ગેટ સુધી ફેંકી શકાય છે. બોમ્બથી પળભરમાં લાખો લોકોનાં મોત થઈ શકે છે. આ પરીક્ષણનો અમેરિકા, રશિયા, જાપાન, ચીન, ભારત જેવા દેશોએ ભારે વિરોધ કર્યો છે. દક્ષિણ કોરિયાએ તો આ પછી તેના આર્મીને એલર્ટ કર્યું હોવાના અહેવાલ છે. ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર કિમ જોંગ ઉને આ પરમાણુ પરીક્ષણનું નિરીક્ષણ કર્યું હતું.
અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયામાં જાણે ભૂકંપનાં આ આંચકા આવ્યા હતા એવો અહેસાસ થયા પછી થોડા સમયમાં ઉત્તર કોરિયાએ જાહેર કર્યું કે દેશે હાઈડ્રેજન બોમ્બનું પરીક્ષણ કર્યું છે. ઉત્તર કોરિયાનાં સુંગજીબાયગામ વિસ્તારથી ૨૪ કિલોમીટર ઉત્તર પૂર્વમાં ૫.૧ની તીવ્રતાનો વિસ્ફોટ નોંધાયો હતો. બપોરે ૧૨.૩૦ કલાકે આને કારણે ધરતીકંપ આવ્યો હતો. જોકે પછી તેની તીવ્રતા ૬.૩ની નોંધાઈ હતી. ઉત્તર પૂર્વ ચીનમાં પણ આને કારણે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. જપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાએ પરીક્ષણ કરેલો હાઈડ્રોજન બોમ્બ અગાઉના હાઈડ્રોજન બોમ્બ કરતા પાંચ ગણો શક્તિશાળી છે. એટલું જ નહીં, દ્વિતિય વિશ્વ યુદ્ધમાં જાપાન પર ફેંકાયેલા બોમ્બ કરતા પણ આ હાઈડ્રોજન બોમ્બની ક્ષમતા પાંચ ગણી છે.
મંત્રણાનો કોઈ અર્થ નથી: ટ્રમ્પ
ટ્રમ્પે આ પરમાણુ પરીક્ષણનો વિરોધ કરતાં ઉત્તર કોરિયાને દુષ્ટ રાષ્ટ્ર ગણાવ્યું હતું. ચીન માટે પણ તે ખતરનાક છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હવે તેની સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી તે યુદ્ધની ભાષા જ સમજશે. ચીને પણ ઉત્તર કોરિયાનાં હાઈડ્રોજન બોમ્બ પરીક્ષણનો ભારે વિરોધ કર્યો હતો. જાપાનનાં વડા પ્રધાન શિન્જો અબેએ કહ્યું કે પરમાણુ પરીક્ષણને ચલાવી લેવાશે નહીં. જ્યારે રશિયાએ કહ્યું કે, આ પરીક્ષણ કરીને ઉત્તર કોરિયાએ યુએનનાં નિયમોનો ભંગ કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા સમિતિની બેઠક
નિયમો અવગણીને નોર્થ કોરિયાએ પરમાણુ તાકાત વધારવાનું આ પગલું લીધા પછી તાકીદે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી હતી. અમેરિકાના સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ નિકી હેલીએ ટ્વિટ કરી હતી કે જાપાન, ફ્રાન્સ, બ્રિટન અને દક્ષિણ કોરિયા સાથે તાકીદની સુરક્ષા પરિષદની બેઠક બોલાવાઈ છે.
ઉત્તર કોરિયાએ હાઇડ્રોજન બોમ્બ પરીક્ષણ કરતાં પ્રદેશમાં પરમાણુ વિકીરણ ફેલાવાની ચિંતા સેવાઇ રહી હતી. જમીન રાહે કિરણોત્સર્ગની અસર થવાની સંભાવના પણ જોવાય છે. તે ચિંતાઓ વચ્ચે ચીન અને જાપાને સ્પષ્ટતા કરી હતી તે ઉત્તર કોરિયાના આ પરીક્ષણને પગલે વાયુમંડળમાં હજી સુધી પરમાણુ કિરણોત્સર્ગનું પ્રમાણ જોવા મળ્યું નથી.