વોશિંગ્ટનઃ ન્યૂ યોર્કના 84 વર્ષના રિક રહોડ્સે ગત જુલાઈમાં તેમની 15 વર્ષીય પૌત્રી લૂસી સાથે સ્કોટલેન્ડના પર્વતીય વિસ્તારોમાં ટ્રેકિંગ પ્રોગ્રામ પસંદ કર્યો તો પરિજનો ચોંકી ગયા. બધાએ તેમને ફરી વિચારવા કહ્યું. જોકે રહોડ્સ નિર્ણય બદલવાના મૂડમાં નહોતા. તેઓએ કાચા રસ્તાઓ પર રોજ 10 કિમી ચાલી પ્રેક્ટિસ કરી અને આ મુશ્કેલ ટ્રેક માટે પોતાને સજ્જ કર્યા. આ સફળ ટ્રેકિંગ બાદ હવે તેઓ બીજા ટ્રેક માટે પોતાને તૈયાર કરી રહ્યાં છે.
રહોડ્સ જેવા અનેક વડીલો ઉંમરના આ પડાવમાં પણ ભરપુર એડવેન્ચર કરી રહ્યા છે. આપણા સમાજમાં એક નવું પરિવર્તન જોવા મળી રહ્યું છે. પારંપરિક દાદા-દાદી-પૌત્રની રજાઓમાં રોમાંચ જોડાઈ ગયો છે. તેઓ ક્રૂઝશિપને બદલે બાઈક ટ્રિપ, બસ ટૂરને બદલે પૌત્ર-પૌત્રીઓ સાથે સ્કૂબા ડાઇવિંગ, બન્જી જમ્પિંગ અને સ્નોર્કલિંગ કરી ઉંમરને પડકાર આપી રહ્યાં છે.
ટ્રાવેલ કંપનીઓ અને ડેસ્ટિનેશન પણ તેમના માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. દર વર્ષે 150 ટૂર લઈ જનારી ક્રાફ્ટ ટ્રાવેલની જૂલિયા કાર્ટર કહે છે કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં પૌત્ર-પૌત્રીઓની સાથે વૃદ્ધોની યાત્રામાં ઘણો વધારો થયો છે. આ નવા ટ્રાવેલર આફ્રિકન સફારી, પેટાગોનિયામાં ટ્રેકિંગ અને એન્ટાર્કટિકા ટૂર જેવી ડિમાન્ડ કરવા લાગ્યા છે. ફિજીના સાવુસાવુમાં જીન-મિશેલ કોસ્ક્યુ રિસોર્ટ સ્નોર્કલ અને સ્કૂબા આઉટિંગ કરાવે છે. અહીં 84 વર્ષના દાદા-દાદીની સાથે પૌત્ર-પૌત્રીઓએ ટ્રેનિંગ લીધી છે. અહીં વૃદ્ધો માટે સ્વાસ્થ્યની તપાસ માટે ડોક્ટર હાજર રહે છે. જે વડીલો ટેક ફ્રેન્ડલી નથી તેમને ફોનથી બુકિંગ કરાવવાની સુવિધા પણ અપાય છે. જોડી માટે સમર્પિત એક ઓનલાઇન કેટલોગ છે, જેમાં કઇ કઇ બાબત જરૂરી છે, તેની જાણકારી અપાઇ છે જેથી તેઓ નક્કી કરી શકે કે પડકાર લઈ શકશે કે નહીં.
ગ્રેટ કેનેડિયન બન્જી ફર્મ ચેલ્સીમાં દર વર્ષે 10 હજાર લોકો બન્જી જમ્પિંગ, ઝિપ લાઇનિંગ અને રાફ્ટિંગની મજા લેવા પહોંચે છે. ડાયરેક્ટર નિક સ્ટીયર્સ કહે છે, તેમાં 5 ટકા લોકો 60 કે તેથી ઉંમરના હોય છે.
આત્મીયતા વધે એવી પ્રવૃત્તિની પસંદગી
ગાઈડેડ વાઇલ્ડરનેસ એડવેન્ચર કંપની ચલાવનાર 60 વર્ષના જો બૈસેઠ વૃદ્ધોને સૂચન કરે છે કે શરૂઆતમાં ઓછા જોખમવાળા ટ્રેક પસંદ કરો. ધીમે-ધીમે પડકાર વધારો. ભોજન હળવું જ લો. 84 વર્ષીય હેરિયટ વોગેલ કહે છે એવી પ્રવૃત્તિઓ પસંદ કરો જેને તમે બન્ને પસંદ કરો છો. તેઓએ પોતાના ગ્રાન્ડ સન મેથ્યુના ગ્રેજ્યુએશનની ઉજવણી તેની સાથે સેન્ટ કિટ્સમાં સ્નોર્કલિંગ (મોઢામાં ટ્યૂબ લઇને ઊંડા પાણીમાં જવું), પેડલ બોર્ડિંગ અને બાઇકિંગ દ્વારા કરી હતી. હેરિયટ કહે છે કે બાળકો સાથે આ અનુભવ અમૂલ્ય છે, તેનાથી તેમની સાથે આત્મીયતા વધારવાની તક મળે છે.