બેઇજિંગઃ અમેરિકા ઉત્તર કોરિયા સામે સતત પ્રતિબંધ લાદીને મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમોને બંધ કરવા માટે દબાણ કરી રહ્યું છે. આ દબાણ વધારવા માટે અમેરિકાએ ઉત્તર કોરિયાને આતંકવાદને સમર્થન આપનારા રાષ્ટ્રોની યાદીમાં નાખી દીધું છે. બીજી બાજુ, ચીને ફરી એક વાર કહ્યું છે કે ઉત્તર કોરિયા પરમાણુ સંકટ દૂર કરવા માટે વધારાના પ્રયાસોની જરૂર છે.
બેઇજિંગ ઉત્તર કોરિયાની સાથે મડાગાંઠ ઉકેલવા માટે સતત મંત્રણાની સંભાવના પર ભાર આપી રહ્યું છે. કેટલાક વિશ્લેષકો એવું માને છે કે ટેરર સપોર્ટ નેશન તરીકે ઉત્તર કોરિયાનું ‘રિબ્રાન્ડિંગ’ કોરિયન દ્વીપકલ્પમાં વધુ તનાવ વધારશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કાંગે જણાવ્યું કે અમને હજી પણ આશા છે કે બધા સમક્ષ પક્ષ તનાવ ખતમ કરવા માટે સહભાગી બની શકે છે. તેમણે જણાવ્યું કે આની સાથે જોડાયેલા બધા પક્ષ મંત્રણા શરૂ કરી શકે છે અને કોરિયન દ્વીપકલ્પના તનાવ મંત્રણાના યોગ્ય માર્ગે દૂર થઈ શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ચીને ઉત્તર કોરિયાની સાથે વિવાદ ખતમ કરવા માટે ‘ડ્યુઅલ ટ્રેક એપ્રોચ’ની વાત કરી હતી.