સિઓલઃ ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન હ્યોન યોંગ ચોલને જાહેરમાં તોપ (એન્ટી એરક્રાફ્ટ ગન) વડે ઉડાવાયા છે. તેમનો ગુનો એટલો હતો કે તેઓ સરમુખત્યાર કિમ જોંગ ઉનની હાજરીમાં એક બેઠકમાં ઊંઘી રહ્યા હતા. તે બાદ તેમને કાંઈ પૂછવામાં આવ્યું તો તેમણે તેનો જવાબ પણ આપ્યો હતો. સરમુખત્યાર દ્વારા પ્રશ્ન પૂછાય કે તે ઉધડો લે ત્યારે ચૂપ રહેવાનો કે ચૂપચાપ ગુનો કબૂલી લેવાની અહીં પરંપરા છે. ચોલ પાછલા શાસક કિમ જોંગ ઇલ તેમ જ વર્તમાન શાસક કિમ જોંગ ઉન બન્નેની નજીક મનાતા હતા.
મીટિંગમાં ઊંઘવાની ઘટનાને તેમ જ શાસક સાથે જીભાજોડીને દેશદ્રોહ માનવામાં આવે છે. ૬૬ વર્ષના શક્તિશાળી સંરક્ષણ પ્રધાન હ્યોનની ધરપકડ કરવામાં આવી હતી. બંધ ઓરડામાં થોડીવારમાં જ તેમને સામે નિર્ણય લેવાયો હતો. ત્રણ દિવસ બાદ ૩૦ એપ્રિલે શૂટિંગ રેન્જમાં સેંકડો લોકોની સામે તેમને એન્ટી એરક્રાફ્ટ ગન વડે ઉડાવી દેવાયા હતા. હ્યાન તે સાત લોકો પૈકીના એક હતા જેઓ પાછલા શાસક કિમ જોંગ ઇલની અંતિમયાત્રામાં મુખ્યરૂપે સામેલ હતા. આ સાતેય પૈકીના એક નગ્ન કરીને ભૂખ્યા કૂતરાઓ સામે ફેંકી દેવામાં આવ્યા હતા. હ્યોનને ૨૦૧૦માં જનરલ અને ૨૦૧૨માં ઉત્તર કોરિયાના સંરક્ષણ પ્રધાન બનાવાયા હતા. આ રીતે કરાયેલી ક્રૂર હત્યાના કારણે વિશ્વભરમાં કીમ લોકોની ટીકાનો ભોગ બન્યા છે. કિમ જોંગે ૨૦૧૧માં પિતાના નિધન બાદ ઉત્તર કોરિયાની સત્તા સંભાળી હતી. ત્યારથી લઈને તેમનો હુકમ નહીં માનનારા ૭૦ જેટલા અધિકારીઓની કિમે હત્યા કરાવી છે. આ વર્ષે જ ૧૫ અધિકારીઓની હત્યા કરાવી છે.