ઉબરે કપલ પાસેથી સિંગલ ટ્રિપના ભાડા પેટે 30 હજાર ડોલર વસૂલ્યા!

Saturday 15th July 2023 17:28 EDT
 
 

વોશિંગ્ટનઃ એક અમેરિકી કપલ પાસેથી ઉબરે સિંગલ ટ્રિપના 30 હજાર ડોલર જેવી તોતિંગ ૨કમ વસૂલી હતી. કોસ્ટારિકાના પ્રવાસે ગયેલા કપલે ઓનલાઈન ટેક્સી બુક કર્યા બાદ વિચિત્ર અનુભવ થયો હતો. તેમને જોકે બાદમાં રિફંડ મળી ગયું હતું, પરંતુ આ માટે ઘણીબધી લમણાંઝીક કરવી પડી હતી.
અમેરિકન કપલ ડગ્લાસ ઓર્ગેનેઝ અને ડોમિનિક કોસ્ટારિકામાં મેરેજ એનિવર્સરી મનાવવા ગયા હતા. કોસ્ટારિકામાં આ કપલે ટેક્સી બુક કરી હતી. ટ્રિપ પૂરી થઈ ત્યારે ઉબર કંપનીએ 30 હજાર ડોલર યાને લગભગ 24 લાખ રૂપિયાનું બિલ ફટકારીને રકમ સીધી બેંક એકાઉન્ટમાંથી કાપી લીધી. એ ટ્રિપનું બિલ ખરેખર 55 ડોલર યાને 4500 રૂપિયા થતું હતું. ઉબરે બેંકમાંથી આટલી મોટી રકમ કાપી લેતાં બેંક બેલેન્સ માઈનસ થઈ ગયું હતું
ઉબર ઓપરેટરે ટેક્સી ફેર પેટે આટલી તોતિંગ ૨કમ ચાર્જ કરી હોવાનું જોઈને કપલ પણ હેબતાઈ ગયું હતું. તેમણે તુરંત ઉબરના કસ્ટમર કેરનો સંપર્ક કર્યો હતો, પરંતુ તુરંત કોઈ મદદ મળી ન હતી. આ પછી ટ્વિટરમાં બિલનો સ્ક્રિનશોટ શેર કરતાં જ તે વાયરલ થયો હતો. આ પછી કંપનીએ વળતર આપવાની ધરપત આપી હતી.
જોકે દિવસો સુધી કોઇ વળતર મળ્યું નહીં. અનેક સ્તરે રજૂઆત પછી કપલને વળતર આપ્યું હતું. કપલનું કહેવું છે કે આમાં બેંકની પણ આમાં ભૂલ છે. કોઈ પણ વેરિફિકેશન વગર જ સીધી ૨કમ ઉબરને કટ કરવા દીધી હતી. ઉંબરે બચાવ કર્યો હતો કે એપમાં કંઈક ગરબડ થવાથી કરન્સી એક્સચેન્જને બદલે ડોલરમાં રકમ કાપી હોવાથી આવું થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter