નવી દિલ્હી: ભારતમાં શાક રોટલી, દાળ ભાત એ સંપૂર્ણ ભોજન છે અને ભાત ખાનારા લોકોની સંખ્યા રોટલી ખાનારા સંખ્યા કરતાં ખૂબ વધારે છે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી તમને દરેક ઘરમાં ભાત ખાતા લોકોની સંખ્યા તમને જોવા મળશે. ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ તમને મળશે કે જે ભાત નહીં ખાતી હોય. આ જ કારણ છે કે ભારતમાં ચોખાની અનેક અલગ અલગ જાતો જોવા મળે છે, અને તેની દુનિયાના વિવિધ દેશોમાં ભારે માગ પણ રહે છે. (આ જ તો કારણ છે કે ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદતાં જ અમેરિકામાં ચોખાની ખરીદી માટે ઝૂંટાઝૂંટ થઇ ગઇ છે!) જોકે આજે આપણે જાપાનીઝ ચોખાની વાત કરવી જે ખરેખર ‘મૂલ્યવાન’ છે.
આ ચોખા એટલા બધા મોંઘા છે કે તેના કિલોના ભાવમાં તમે દોઢેક ગ્રામ સોનું પણ ખરીદી શકો છો, તો ચાલો દુનિયાના સૌથી મોંઘા ચોખા વિશે જાણીએ કે આખરે આ ચોખા કેમ આટલા બધા મોંઘા છે. વિશ્વના સૌથી મોંઘા આ ચોખાનું નામ છે કિન્મેમાઈ પ્રીમિયમ અને તેના એક કિલોની કિંમત 120 પાઉન્ડ 150 પાઉન્ડ (આશરે 12 હજારથી 15 હજાર) રૂપિયા છે. આ ચોખા મુખ્યત્વે ટેકનો કન્ટ્રી ગણાતા જાપાનમાં ઉગાડવામાં આવે છે. આ ચોખાને ખાસ બનાવે છે તેમાથી મળતા પોષક તત્વો, જે અન્ય કોઈ પણ ચોખામાં જોવા નથી મળતા. ભારતની જેમ જાપાનમાં પણ લોકો ચોખા ખાવાનું પસંદ કરે છે, ત્યાં પણ ચોખાની અનેક ઘણી જાતો ઉગાડવામાં આવે છે. પરંતુ આમાં સૌથી ઉપર કિનેમાઈ પ્રીમિયમ રાઇસ છે અને ત્યાંના લોકો આ ચોખા ખાસ પ્રસંગોએ જ રાંધે છે. ગિનેસ બુકમાં પણ કિન્મેમાઈ પ્રીમિયમ રાઇસનું નામ વિશ્વના સૌથી મોંઘા ચોખા તરીકે નોંધવામાં આવ્યું છે અને જાપાન ઉપરાંત એશિયાના અન્ય દેશોમાં પણ આ ચોખાની ભારે માંગ છે.
અમેરિકા અને યુરોપના કેટલાક લોકો પણ આ ચોખા ખાવાનું પસંદ કરે છે. જોકે, આટલા મોંઘા ચોખા હોવાને કારણે તે મધ્યમ વર્ગના લોકોની પહોંચની બહાર છે. ટોયો રાઇસ કોર્પ કંપની આજકાલ આ ચોખા વિશ્વભરમાં વેચી રહી છે. વેબસાઇટ તેમજ અન્ય ઈકોમર્સ વેબસાઇટ્સ દ્વારા પણ આ ચોખાનું વેચાણ થઈ રહ્યું છે. જો તમે પણ વિશ્વના સૌથી મોંઘા ભાત ખાવા માંગતા હોવ અને તેનો સ્વાદ કેવો છે તે ચાખવા માંગતા હોવ તો તમે પણ તેને ઓનલાઈન ખરીદી શકો છો.