બુખારેસ્ટ (રોમાનિયા)ઃ આ પથ્થરોને જુઓ તો પૃથ્વીના બદલે કોઈ એલિયન ગ્રહ પર આવી ગયા હોય તેમ લાગે. રોમાનિયાના આ પથ્થરને ટ્રોવન્ટ સ્ટોન કહેવાય છે. તે ભૌગોલિક પ્રક્રિયા દ્વારા કુદરતી રીતે બનેલા છે. વાસ્તવમાં આ પથ્થરો બે ઇંચના નાના કાંકરા હોય છે, તેમાંથી તે દર મિલેનિયમે એટલે કે દર હજાર વર્ષે બે ઇંચ જેટલી વૃદ્ધિ પામીને ખડકનું વર્તમાન સ્વરુપ બન્યા છે. એક છોડ જે રીતે વૃદ્ધિ પામીને વિકસે તે રીતે આ પથ્થરો વિકસ્યા છે.
આ પ્રકારના પથ્થરો અનોખા મિનરલ સ્ટ્રકચરના બનેલા છે. તેમાં પ્લાન્ટ અને પ્રાણીઓના અશ્મિ બંનેનું મિશ્રણ છે. આ ખડક એકદમ આકરા પથ્થર છે અને તેની આજુબાજુમાં રેતી છે. મુખ્યત્વે તે વરસાદી પાણીની અંદર વિકસ્યા છે. વરસાદી પાણી ઉપરથી દબાણ લાવે છે અને તેના પગલે સર્જાતા રિએકશને તેની વૃદ્ધિમાં મદદ કરી છે. આ ટ્રોવોન્ટ સ્ટોન રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી 50 માઇલ દૂર આવેલા ગામ કોસ્ટેસ્ટી ખાતે મળે છે.
વાસ્તવમાં પરપોટા જેવા દેખાતા પથ્થરો મોટા ખડકો છે. રોમાનિયાના આ ટ્રોવોન્ટ વિવિધ સમયગાળા દરમિયાન બન્યા છે, એમ રોમાનિયાના ભૂસ્તર ખાતાના ડો. મિર્સિયા ટિક્લેન્ડએ જણાવ્યું હતું. આ ટ્રોવોનન્ટ મેદાનમાં અચાનક ઉભરી આવ્યા નથી. તે વિવિધ ભૌગોલિક સમયગાળા દરમિયાન રેતસમૂહો કે રેતના જથ્થામાંથી પાણી સાથેના ઘર્ષણની પ્રક્રિયામાંથી વિકસ્યા છે. ટ્રોવન્ટ્સ શબ્દ જર્મન શબ્દ સેન્ડસ્ટેઇન કોંફ્રેશનેનનો પર્યાયવાચી શબ્દ છે. તેનો અર્થ સિમેન્ટેડ સેન્ડ થાય છે.
પ્રવાસીઓ રોમાનિયાના આ ગામની મુલાકાત લઈને આ સ્ટોન જોઈ શકે છે. આ પથ્થરો મુખ્યત્વે હાર્ડ સ્ટોનમાંથી બનેલા છે. તેની આસપાસ રેતી હોય છે. જોકે આવા પથ્થરો મળી આવતા હોય તેવું આ કંઈ રોમાનિયામાં એક જ સ્થળ નથી, કાર્પેથિયન એરિયામાં પણ આ પ્રકારના પથ્થરો મળી આવે છે. રોમાનિયાના કોર્નેગી વિસ્તારમાં પણ જોવા મળે છે.