તાઇપેઇઃ તાઈવાનથી લગ્ન અને ડિવોર્સની એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય. અહીં એક બેન્ક કર્મચારીએ ૩૭ દિવસમાં જ એક જ છોકરી સાથે ચાર વાર લગ્ન કર્યા હતા અને ત્રણ વાર ડિવોર્સ લીધા હતા. અને આ સમગ્ર ઘટનાનું સાચું કારણ તો કેસ જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે સામે આવ્યું.
હકીકતમાં આ ઘટના તાઈવાનના એક બેન્ક કર્મચારીની છે. આ વ્યક્તિ અહીં બેન્ક ક્લર્ક તરીકે કામ કરે છે. જ્યારે આ વ્યક્તિએ લગ્ન માટે રજા માંગી તો તેને માત્ર ૮ દિવસની જ રજા મંજૂર કરવામાં આવી. આ વ્યક્તિના લગ્ન થયા અને થોડા દિવસોમાં જ રજા પૂરી થઈ ગઈ. કાયદા પ્રમાણે લગ્ન માટે ૮ દિવસની પેઈડ લીવ આપવામાં આવે છે. પછી તેણે રજા વધારવા માટે એક નવી પદ્ધતિ શોધી લીધી. આ વ્યક્તિએ તેની પત્નીને ડિવોર્સ આપી દીધા જેથી તે ફરી લગ્ન કરી શકે અને તેના માટે વધુ ૮ દિવસની પેઈડ લીવ લઈ શકે. આ વ્યક્તિએ ૩૭ દિવસની અંદર એક જ છોકરી સાથે એટલે કે પોતાની પત્ની સાથે ચાર વખત લગ્ન કર્યા અને તેને ૩ વખત ડિવોર્સ આપ્યા. આ ઘટનાનો ખુલાસો પણ જબરજસ્ત રીતે થયો અને પછી સમગ્ર કેસ કોર્ટ પહોંચ્યો હતો.
બેન્કે અંતે જાણવાનો પ્રયત્ન કર્યો કે, આ વ્યક્તિ શું કરવા માંગે છે. બેન્કે પહેલાં તો તેને વધારાની પેઈડ લીવ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યારે બેન્કે રજા ના આપી ત્યારે વ્યક્તિએ તાઈપે સિટી લેબર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી અને બેન્ક પર લેબર લીવના નિયમો તોડ્યાનો આરોપ લગાવ્યો હતો.
આ કાયદા પ્રમાણે કર્મચારીઓને લગ્ન સમયે ૮ દિવસોની પેઈડ લીવ આપવી ફરજિયાત છે. ક્લર્કે ૪ વાર લગ્ન કર્યા, તેથી તે માટે ૩૨ દિવસોની પેઈડ લીવ મળવી જોઈતી હતી. ત્યાર પછી બેન્કે પણ આ નિર્ણય વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. જણાવવામાં આવ્યું કે, આરોપી દ્વારા માંગવામાં આવેલી રજાઓ લેબર સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત નથી તેવો મત લેબર કોર્ટના કમિશનર તરફથી રજૂ કરવામાં આવ્યો હતો. લેબર કોર્ટે કહ્યું કે, બેન્ક ક્લર્કે રજા માટે જે કર્યું તે ખોટું છે, પરંતુ લેબર સ્ટાન્ડર્ડ એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી કે કોઈ વ્યક્તિ રજા લેવા માટે એક જ વ્યક્તિ સાથે બીજી વાર લગ્ન કરે તો તેને રોકી શકાય. કર્મચારીને રજા નહીં આપવા માટે બેન્કને આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ વ્યક્તિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે કે નહીં તે વિશે હાલ તો કોઈ ખુલાસો થયો નથી. ઘણી વાર રજા લેવા માટે કર્મચારીઓ વિવિધ પ્રકારના બહાના બનાવતા હોય છે પરંતુ આ વખતે આ બહાનુ એકદમ એક્સ્ટ્રીમ લેવલનું જોવા મળ્યું છે.