ન્યૂ યોર્ક: વિવિધ દેવી-દેવતાઓથી માંડીને નારદજી એક જગ્યાએથી અદૃશ્ય થઈને પળભરમાં બીજી જગ્યાએ પહોંચી જતા હોવાના પ્રસંગો આપણે ધર્મગ્રંથોમાં વાંચ્યા છે અને ધાર્મિક સિરિયલોમાં પણ આવા દૃશ્યો નિહાળ્યા છે. પરંતુ શું હકીકતમાં એવું શક્ય છે? વિજ્ઞાનીઓ પાસે તેનો પાક્કો જવાબ તો નથી, પરંતુ તેના પ્રયાસો દાયકાઓથી ચાલી રહ્યા છે.
એક જગ્યાએથી અંતરધ્યાન થઈ દૂરના સ્થળે પહોંચી જવાની ક્રિયાને ટેલિપોર્ટેશન કહેવાય. ફેસબૂક આ ટેલિપોર્ટેશન ટેકનોલોજી પર કામગીરી કરી રહ્યું છે. ફેસબૂકના સીઈઓ માર્ક ઝકરબર્ગે એક મુલાકાતમાં કહ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં ટેલિપોર્ટેશન શક્ય બનશે.
તેમના કહેવા પ્રમાણે ફેસબૂક એ પ્રકારના ગોગલ્સ બનાવી રહ્યું છે. અગાઉ ગૂગલે પણ ગૂગલ ગ્લાસ નામે ક્રાંતિકારી ચશ્મા બનાવવાનો પ્રયોગ આરંભ્યો હતો. એ ચશ્માં જોકે ટેલિપોર્ટેશન અંગેના નહીં પણ ગૂગલ સર્ચની જેમ કોઈ વ્યક્તિની માહિતી પળવારમાં રજૂ કરી આપે એ પ્રકારના હતા. જોકે એમાં પ્રાઈવસીનો વિવાદ થતા ગૂગલે એ પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો.
માર્ક ઝકરબર્ગનું કહેવું છે કે અત્યારે મીટિંગ માટે તેમજ અન્ય કામો માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરવાથી ક્લાઈમેટ ચેન્જમાં વધારો થાય છે કેમ કે પ્રવાસ કરવા માટે વાહન, રહેવા માટે હોટેલ, અન્ય ચીજવસ્તુઓ પાછળ ખર્ચ થાય છે અને પ્રદૂષણનો ફેલાવો સર્જાય છે. આ સ્થિતિ ટાળવા માટે ફેસબૂક આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. માર્કના કહેવા પ્રમાણે કાલ્પનિક લાગતી આ સ્થિતિ આગામી થોડાક વર્ષોમાં વાસ્તવિકતા બનશે.
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઇએ તો, શરીર કણોનું બનેલું છે. આ કણોનું સંપૂર્ણ વિભાજન આવડી જાય, વિભાજીત થયેલા કણોને એક સ્થળેથી બીજા સ્થળે મોકલતા આવડી જાય અને ત્યાં પહોંચાડયા પછી ફરીથી કણોમાંથી શરીર પેદા કરતાં આવડે તો ટેલિપોર્ટેશન શક્ય બને.
શું ખરેખર ટેલિપોર્ટેશન શક્ય છે?
સૌથી મોટો સવાલ એ છે કે એક સ્થળેથી અદૃશ્ય થઈને આખા શરીરને બીજા સ્થળે ટ્રાન્સફર કરવું શક્ય છે? તેનો જવાબ હા અને ના બન્ને છે. સૈદ્ધાંતિક રીતે તો એવું શક્ય છે, પરંતુ એ માટે ક્વોન્ટમ ટેકનોલોજીમાં મહારત હાંસલ કરવી પડે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આ ટેકનોલોજી હજુ વિજ્ઞાનીઓ પૂરી સમજી શક્યા નથી. ક્વોન્ટમ વર્લ્ડના દરવાજા સંશોધકો માટે પુરાં ખુલ્યાં નથી. આથી શક્ય બને તો પણ હજુ કેટલાક વર્ષ લાગે તેમ છે.
બીજી તરફ અનેક એવી કલ્પનાઓ આજે ટેક્નોલોજી થકી હકીકતમાં ફેરવાઈ છે ત્યારે આ કલ્પના પણ હકીકતમાં ફેરવાઈ શકે તેમ હોવાની વાતનો કોઇ ઇન્કાર ન કરી શકે. ટેલિવિઝન સિરિયલ સ્ટાર ટ્રેકમાં આ પ્રકારે અદૃશ્ય થતાં પાત્રો હાજર છે. તો વળી અનેક વિજ્ઞાનકથાઓમાં પણ ટેલિપોર્ટેશન પામતા વ્યક્તિની વાતો છે.