હોંગકોંગઃ હોંગકોંગનું પ્રદર્શન ૧૫મીએ ૧૫મા અઠવાડિયામાં પ્રવેશ્યું હતું. રવિવારે લોકોએ ગોડ સેવ ધ ક્વીન ગાતા ગાતા તથા યુનિયન જેક લહેરાવતા બ્રિટિશ દૂતાવાસની બહાર પ્રદર્શન કર્યું હતું. લોકોની એવી માગ હતી કે ચીન હોંગકોંગની આઝાદીનું માન જાળવે. એક દેશ, બે સિસ્ટમ પૂરી થઈ છે તેવી માગ લોકોએ બુલંદ બનાવી હતી. બ્રિટિશ દૂતાવાસની બહાર ઘણા પ્રદર્શનકારીઓએ હાથમાં બેનર લઈને બ્રિટિશ નેશનલ પાસપોર્ટ માટે સમાન અધિકારોની માગ કરી હતી. ૧૫મીના પ્રદર્શનમાં લોકો મોલમાં ઘૂસીને વિરોધ કરવા લાગ્યા હતા. બળપૂર્વક હટાવવામાં આવતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક ઝપાઝપી થઈ હતી. રવિવારે લેજિસ્લેટિવ કાઉન્સિલ બિલ્ડિંગ નજીક અને સેન્ટ્રલ ગર્વમેન્ટ ઓફિસની અંદર પેટ્રોલ બોંબ ફેંકી રહેલા પ્રદર્શનકારીઓને વિખેરવા માટે પોલીસે પાણી અને ટીયરગેસનો મારો ચલાવ્યો હતો તેમ છતાં પણ લોકો ટસના મસ થયા નહોતા. કેટલાક પ્રદર્શનકારીઓએ ચાઈનીઝ પીપલ્સ લિબરેશન આર્મી બેઝ નજીકના પોલીસ સ્ટેશનની બહાર ઈંટો ફેંકી હતી અને એક રેડ બેનરને આગ ચાંપી દીધી હતી.