ગિલગીટ-બાલ્ટીસ્તાનઃ આમ તો આ ધરતી પર સેંકડો ભાષા અને હજારો બોલી છે, પણ આ બધાની વચ્ચે એક એવી ભાષા પણ છે જેને સાત અબજની વસ્તી ધરાવતી આ દુનિયામાં ફક્ત ત્રણ જણા બોલે છે. આથી જ આ ભાષાને હવે લુપ્ત ભાષાની યાદીમાં મૂકાઇ છે. આ ભાષા છે ‘બદેશી’, જે ઉત્તર પાકિસ્તાનના બર્ફિલા પહાડી વિસ્તારમાં બોલાય છે. ગિલગીટ-બાલ્ટીસ્તાન પ્રાંતમાં આવેલી બિશીગ્રામ ઘાટીમાં બદેશી બોલનાર ત્રણ જ જણા છે.
દુનિયાભરની ભાષાઓની નોંધ રાખનાર એથનોલોગનું કહેવું છે કે આ ભાષાને બોલનારા હવે કોઈ નથી. એટલે એને લુપ્ત ભાષાઓમાં સામેલ કરી દેવામાં આવી છે. એક પેઢી અગાઉ ગામમાં બદેશી ભાષા બોલાતી હતી, પરંતુ ધીમે ધીમે આનું ચલણ ઓછું થતું ગયું છે અને હવે ફક્ત ત્રણ લોકો સુધી જ સીમિત રહી ગઈ છે. આ ત્રણ લોકોની ઉંમર પણ લગભગ ૭૦થી ૮૦ વર્ષની વચ્ચે છે.
લગ્નોએ ખતમ કરી ભાષા
બદેશી બોલનાર કેવી રીતે ઘટયા એ વાત પણ બહુ દિલચસ્પ છે. લગ્ન પછી આ ગામમાં બીજા ગામની મહિલાઓ આવી જે બદેશી ભાષાને બદલે મુખ્યત્વે તોરવાલી ભાષા બોલતી હતી. આથી તેમની કૂખે જન્મેલા સંતાનો પણ માતાની ભાષા શીખતાં ગયાં. આમ ધીમે ધીમે બદેશી ભાષાનું અસ્તિત્વ જ ખતમ થવા લાગ્યું. આજે આ વિસ્તારની મુખ્ય ભાષા તોરવાલી છે. જોકે હવે એ પણ પશ્તોને કારણે ભારે કશમકશમાંથી પસાર થઈ રહી છે.
બોલનારા પણ ભૂલી રહ્યા છે શબ્દો
આ વિસ્તારમાં રોજગાર નથી એટલે આ લોકોની આજીવિકા પર્યટકો પર જ નિર્ભર કરે છે. આના માટે તેમણે સ્વાત જિલ્લામાં જવું પડે છે, જ્યાં પશ્તો ભાષા બોલાય છે. આમ લાંબો સમય સ્વાતમાં વિતાવ્યો હોવાના કારણે તેમને પશ્તો બોલવાની આદત પડી ગઈ છે. આમ તેઓ હવે બદેશી ભાષાના શબ્દો ભૂલવા લાગ્યા છે. એકબીજાને મોઢે સાંભળીને જ તેમને આ શબ્દો યાદ આવે છે.
આમ પણ હવે આ ભાષા અહીં કોઈ શીખવા માગતું નથી અને નથી કોઈ બોલવા માગતું. ભાષાઓને બચાવવાનું કામ કરનાર લોકોનું કહેવું છે કે હવે ઘણું મોડું થઈ ગયું છે. પહેલાં કોઈ પગલાં ભરવામાં આવ્યાં હોત તો યોગ્ય હતું. હવે બદેશી ભાષા બચાવવી મુશ્કેલ છે.