દુબઈઃ દુબઈના બાર અને રેસ્ટોરાંમાં ખાઈ પીને મોજ કરવા જતાં લોકો હવે તેમના માનીતાં ડ્રિન્કસમાં એક લાખ વર્ષ જૂનો સૌથી શુદ્ધ આઇસ નાંખી તેની મોજ માણી શકે છે. ગ્રીનલેન્ડની એક કંપની આર્કટિક આઇસ ગ્લેસિયરમાંથી તુટીને અલગ પડેલાં બરફને એકત્ર કરીને યુએઇ મોકલી આપે છે. જ્યાં આ આઈસને એક્સકલુઝિવ બારમાં સર્વ કરાય છે. 2022માં શરૂ થયેલી આ કંપનીએ તેની પ્રથમ ખેપમાં તાજેતરમાં 20 મેટ્રિક ટન આઈસ મોકલી આપ્યો હતો.
આર્કટિક આઈસ કંપનીના સહસ્થાપક મલિક વી. રાસમુસેને ઇન્સ્ટા પર વીડિયો મૂકીને જણાવ્યું હતું કે આ આઇસ બરફની ચાદરમાંથી છૂટો પડીને દરિયામાં પીગળી જવાનો હતો, પણ અમારી કંપનીના કર્મચારીને આ આઇસની ઘન સ્વરૂપમાં જ દુબઇ નિકાસ કરવાનો વિચાર આવ્યો. આમ, તમારા સુધી આ સૌથી શુદ્ધતમ આઇસ પહોંચ્યો છે.
કંપનીની વેબસાઈટ પર જણાવાયું છે કે આર્કટિક આઇસ આર્કટિકની કુદરતી હિમશીલામાંથી મેળવાયો છે. આ હિમશિલાઓમાં આ બરફ એક લાખ વર્ષથી વધારે સમયથી થીજેલી અવસ્થામાં છે. આ બરફ કોઇ જમીન કે માનવપ્રવૃત્તિને કારણે પેદાં થયેલાં કોઇ પ્રદૂષકોના સંપર્કમાં આવ્યો ન હોઇ આ દુનિયા પરનો સૌથી શુદ્ધતમ એચટુઓ છે. ગ્રીનલેન્ડમાં ડ્રિન્કમાં ગ્લેસિયર આઇસ વાપરવામાં આવે છે. વર્ષોથી ઘણાં લોકોએ તેની નિકાસ કરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા છે.
રાસમુસેનના જણાવ્યા અનુસાર આ આઈસ એક સદીથી વધારે સમયથી દબાયેલો હોઈ તેમાં જરાય પરપોટાં નથી. તે સામાન્ય આઈસ કરતાં પ્રમાણમાં ધીમે ધીમે ઓગળે છે. દુબઈના આઇસ ક્યુબમાં થીજી ગયેલું મિનરલ વોટર વાપરવામાં આવે છે. તેના કરતાં પણ આ આર્કટિક આઇસ વધારે શુદ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સોશ્યલ મિડિયામાં ઘણાં લોકોએ જણાવ્યું હતું કે કંપનીએ ગ્લેસિયરનું પાણી વેચવાને બદલે ગ્લોબલ વોર્મિંગની વધારે ચિંતા કરવી જોઈએ. જોકે રાસમુસેને જણાવ્યું હતું કે ગ્રીનલેન્ડમાં અમે માછલીઓ અને પ્રવાસનમાંથી નાણાં કમાઈએ છીએ. લાંબા સમયથી હું એવી કોઇ ચીજ શોધતો હતો જેમાંથી નફો રળી શકાય. મને આશા છે કે મારી આ નિકાસથી ગ્રીનલેન્ડની આર્થિક વૃદ્ધિ થશે અને તેને આર્થિક સ્વતંત્રતા મળશે.