સેઉલઃ કોઈ નવજાત બાળકના પેરન્ટ્સ તમને કહે કે અમારું બાળક એક વર્ષનું છે અને બીજા જ દિવસે એમ પણ કહે કે બાળક બે વર્ષનું છે તો તમને આંચકો અને આશ્ચર્ય બંને લાગશે. જરા પણ ચોંકવાની જરૂર નથી. આ વાત સાઉથ કોરિયાની છે જ્યાં, વયની ત્રણ રીતે વિચિત્ર ગણતરી થાય છે. 1 જાન્યુઆરી એટલે કે નવા વર્ષના દિવસે, એક જ ઝાટકે આખા દેશના લોકોની ઉંમર એક વર્ષ વધી જાય છે.
એજિંગ અથવા તો મોટા થવાની બાબત કુદરતી પ્રક્રિયા છે અને તેમાં ઘડિયાળને આગળ કે પાછળ કરી શકાતી નથી પરંતુ, સાઉથ કોરિયન પ્રજા ઘડિયાળને આગળ વધારી એક વર્ષ વહેલી યુવાન થઈ શકે છે. એવી શક્યતા છે કે સાઉથ કોરિયાની વસ્તી વહેલી યુવાન થઈ જાય છે પરંતુ, તે માત્ર કાગળ પર જ રહે છે. સાઉથ કોરિયાના નવા ચૂંટાયેલા પ્રમુખ યૂન સુક-યેઓલ ‘કોરિયન એજ’નો ખયાલ રદ કરવા માગે છે કારણકે આનાથી સામાજિક, કાનૂની, વહીવટી અને વ્યવહારુ સમસ્યાઓ સર્જાય છે. જોકે, તેમના માટે પણ સમસ્યા છે કારણકે 2019અને 2020માં પણ આધુનિક પદ્ધતિની દરખાસ્ત થઈ હતી પરંતુ, બંને પ્રયાસ કાયદો બનાવવામાં નિષ્ફળ ગયા હતા. સાઉથ કોરિયામાં વયની ગણતરી ગૂંચવાડો ઉભો કરનારી છે. જ્યારે બાળક જન્મે ત્યારે તે એક વર્ષનું ગણાય છે અને 1 જાન્યુઆરીએ એટલે કે નવા વર્ષે તેમાં વધુ એક વર્ષ ઉમેરાઈ જાય છે અને તેની વય બે વર્ષની થઈ જાય છે.
ઉદાહરણ લઈએ તો ડિસેમ્બરમાં જન્મેલું બાળક 1 વર્ષનું ગણાય છે અને માત્ર4 સપ્તાહ પછી 1 જાન્યુઆરીએ તેને 2 વર્ષનું ગણવામાં આવે છે. ખરી મૂંઝવણ તો ત્યારે થતી હોય કે 31 ડિસેમ્બરે જન્મેલું બાળક 1 વર્ષનું હોય અને બીજા જ દિવસે તે 2 વર્ષનું થઈ શકે છે.
સાઉથ કોરિયામાં વય ગણવાની ત્રણ પદ્ધતિ
બીબીસીના રિપોર્ટ મુજબ પોપ ગ્રૂપ BTSમાં V તરીકે ઓળખાતા કિમ તાએ-હ્યુંગની ઉંમર એક સાથે 26, 27 અને 28 વર્ષની ગણાય છે કારણકે તેનો જન્મ 30 ડિસેમ્બર 1995ના દિવસે થયો છે. આ ગણતરી માથાના દુઃખાવા જેવી લાગશે પરંતુ, સાઉથ કોરિયાની આ પરંપરાગત વય ગણતરી છે. સાઉથ કોરિયા વિશ્વનો એક માત્ર દેશ છે જ્યાં નવજાત બાળકની વય 2 વર્ષ હોય.
સાઉથ કોરિયામાં બાળક જન્મતાંની સાથે એક વર્ષનું એટલા માટે ગણાય છે કે તેઓ સગર્ભાવસ્થાના 9 મહિનાને એક વર્ષ તરીકે ગણી લે છે અને નવા વર્ષે તેમાં બીજું વર્ષ ઉમેરાઈ જાય છે. આ સિવાય, સાઉથ કોરિયન્સ જન્મદિવસ પ્રમાણે વયની ગણતરીની આંતરરાષ્ટ્રીય સિસ્ટમ પણ અનુસરે છે. આ ઉપરાંત, ત્રીજી પદ્ધતિ પણ છે જેમાં, બાળકની વય જન્મસમયે શૂન્ય ગણવામાં આવે છે અને નવા વર્ષના દિવસે એક વર્ષનો ઉમેરો થાય છે.