મુંબઇઃ ઇલેક્ટ્રિક કાર બનાવતી અમેરિકન કંપની ટેસ્લાએ છેલ્લા આઠ મહિનામાં આશરે અડધી માર્કેટ વેલ્યુ ગુમાવી દીધી છે. આ સાથે જ ટેસ્લાના સ્થાપક અને સીઇઓ એલન મસ્કે દુનિયાની સૌથી ધનિક વ્યક્તિનો દરજ્જો ગુમાવી દીધો છે. હવે તેઓ 181.3 બિલિયન ડોલર એટલે કે રૂ. 13.88 લાખ કરોડની સંપત્તિ સાથે દુનિયાની બીજી સૌથી ધનવાન વ્યક્તિ છે. જ્યારે ફ્રાન્સની ફેશન જાયન્ટ એલવીએમએચ કંપનીના માલિક બર્નાર્ડ અરનોલ્ટ 186.5 બિલિયન ડોલર એટલે કે આશરે 18 લાખ કરોડની સંપત્તિ સાથે દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના તાજા આંકડા પ્રમાણે, મસ્ક અને અરનોલ્ટ વચ્ચે ફક્ત એક બિલિયન ડોલરનું અંતર હતું. ટેસ્લાના શેરોમાં ઘટાડો થવાથી મસ્કનો આ તાજ છીનવાઈ ગયો છે. આ યાદીમાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી 134.6 બિલિયન ડોલર (આશરે રૂ. 10.32 લાખ કરોડ)ની સંપત્તિ સાથે ત્રીજા સૌથી ધનવાન વ્યક્તિ છે. આ વર્ષે તેમની સંપત્તિમાં 48.7 બિલિયન ડોલર એટલે કે રૂ. 4.02 લાખ કરોડનો વધારો થયો છે. બીજી તરફ, મસ્કે તેનાથી બમણી 103 અબજ ડોલર એટલે કે રૂ. 8.51 લાખ કરોડની સંપત્તિ ગુમાવી છે.
એલન મસ્કની સંપત્તિને ટ્વિટરનું ગ્રહણ
મસ્કે ગત 14 એપ્રિલે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર ખરીદ્યા પછી તેમની સંપત્તિ સતત ઘટી રહી છે. છેલ્લા આઠ મહિનામાં મસ્કની કુલ સંપત્તિમાં આશરે 70 બિલિયન ડોલર એટલે કે રૂ. 5.78 લાખ કરોડનો ઘટાડો થઇ ચૂક્યો છે. ટ્વિટર ખરીદવા માટે મસ્કે એપ્રિલથી અત્યાર સુધી ટેસ્લાના 20 બિલિયન ડોલર એટલે કે રૂ. 1.65 લાખ કરોડના શેર વેચ્યા છે.
8 મહિનામાં જ ટેસ્લાના શેરની કિંમતમાં 50.76 ટકાનો કડાકો બોલી ગયો છે. ટેસ્લાના શેર 13 એપ્રિલે 340.79 પર બંધ હતા. તેના એક દિવસ પહેલા ટ્વિટરે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં ઘટસ્ફોટ કર્યો હતો કે, મસ્કે ટ્વિટરને 43.4 બિલિયન ડોલર (રૂ. 3.57 લાખ કરોડ)માં ખરીદવા હોસ્ટાઇલ બિડ લગાવી છે. કોઇ કંપનીને ખરીદવા માટે તેના મેનેજમેન્ટ સાથે વાત કર્યા વિના સીધા શેરહોલ્ડર્સ સાથે ડીલ કરવી તેને હોસ્ટાઇલ ટેકઓવર કે ફોર્સ ટેકઓવર કહેવાય છે. આ ઉપરાંત ટેસ્લાના શાંઘાઇ સ્થિત પ્લાન્ટમાં ઉત્પાદન પણ ખોટકાયું હતું, જેથી તેના શેરની કિંમત ઘટી છે. 12 ડિસેમ્બરે ટેસ્લાના શેર 167.82 ડોલરે બંધ થયા હતા. તે 13 એપ્રિલના બંધ ભાવ 340.79 ડોલરથી 50.76 ટકા ઓછો ભાવ છે.