નૂર-સુલ્તાન : હૈયે હામ હોય તેવા લોકોના ઇરાદા હંમેસા બુલંદ હોય છે. કઝાખિસ્તાનના નૂર-સુલ્તાનની મારિયા ઔજોવા નામની યુવતીની જ વાત કરો ને... તેને એક પણ પગ નથી, છતાં તેણે વિશ્વનું દુર્ગમ લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે. આવી સિદ્ધિ મેળવનાર તે વિશ્વની પ્રથમ મહિલા બની છે એમ કહેવાની જરૂર ખરી?
અનેક પડકારો છતાં એવરેસ્ટ કરવાનું સપનું સાકાર કરવા મારિયાએ એવરેસ્ટના ચોમોલુંગમા બેઝ કેમ્પ પર ચઢાણ કર્યું હતું. આ મિશનમાં તેને ૧૦ દિવસ લાગ્યા હતા, જ્યારે તે માટેની તૈયારીમાં દોઢ વર્ષથી વધુ સમય લાગ્યો હતો.
વાસ્ક્યુલર બીમારીના કારણે મારિયાએ છ વર્ષ અગાઉ બંને પગ કપાવવા પડ્યા હતા, પરંતુ તેણે એવરેસ્ટ સર કરવાનું સપનું છોડ્યું નથી.
આ સપનું સાકાર કરવા, પોતાનો જુસ્સો જાળવી રાખવી તેણે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી. તેનો પતિ મુહતાર ઔજોવા અને કોચ વાદિમ તખ્મે પણ તેને સતત મદદરૂપ થઇ રહ્યા હતા. વાદિમ નિષ્ણાત પર્વતારોહક છે અને ઘણાં સફળ મિશન પૂર્ણ કરી ચૂક્યો છે. તેનું માર્ગદર્શન મારિયાને બહુ કામ લાગ્યું.
મારિયા જણાવે છે કે ‘આ ખરેખર બહુ મુશ્કેલ પડકાર હતો. રસ્તામાં માત્ર દર્દ અને મારા બ્લૂ પગ જ સતત મારા સાથી રહ્યા. એક સમયે તો કિડનીએ પણ જવાબ આપી દીધો હતો. ઠંડીથી આખું શરીર જકડાઇ ગયું હતું, પણ હું ચાલતી રહી.’ અને જૂઓ, મારિયાએ આભને આંબતો ૨૯,૦૩૨ ફૂટ (૮૮૪૯ મીટર) ઊંચો એવરેસ્ટ સર કરીને સપનું સાકાર કરી જ લીધું.