અબુજા, બ્રાઝિલિયાઃ મોટા ભાગના લોકોને પોતાના વતનમાં ભારે મુશ્કેલી નડતી હોય ત્યારે દૂરના પ્રદેશોમાં પહોંચી જવાનું ભારે આકર્ષણ રહે છે. ભારત સાથે વેપાર કરવા જળમાર્ગ શોધવા માટે નીકળેલો કોલંબસ અમેરિકા પહોંચી ગયો હતો બરાબર તે જ રીતે સારા ભવિષ્ય માટે યુરોપ જવાના સ્વપ્ના સાથે વિશાળ એટલાન્ટિક મહાસાગરમાં નાના કાર્ગો જહાજનાં સુકાન-રડર પર નાની જગ્યામાં છુપાઈ- લટકીને 14 દિવસ સુધી જોખમી મુસાફરી કરનારા ચાર ખુદાબક્ષ નાઈજિરિયન્સ યુરોપના બદલે બ્રાઝિલ પહોંચી ગયા હતા જેમને ત્યાં બચાવી લેવાયા હતા.
સારાં જીવનની શોધમાં નાઈજિરિયા છોડી યુરોપ જવા માટે આ ચાર નાઈજિરિયન્સે ભારે દુઃસાહસ કરી કાર્ગો શિપના રડર પરની નાનકડી જગ્યામાં લટકીને 10 દિવસ વીતાવ્યા હતા. તેમની આ જોખમી યાત્રા 5,600 કિલોમીટર (3,500 માઈલ)ની હતી અને દિવસે-દિવસે જોખમી પરિસ્થિતિઓ મધ્યે તેમની ધીરજ અને હિંમતની પરીક્ષા લેવાતી હતી. માત્ર 10 દિવસમા સાથેના ખોરાક-પાણીનો મર્યાદિત જથ્થો પણ ખલાસ થઈ ગયો હતો. તેઓ લટક્યા હતા તેનાથી થોડા નીચે અફળાતા ખારાં દરિયાઈ પાણીને પીવાની ફરજ પડી હતી. તેમની સ્વપ્ન પાર પાડવાની મક્કમતા અને મજબૂત ઈચ્છાશક્તિએ જ તેમને અફાટ મહાસાગરમાં વધુ ચાર દિવસની યાતના સહન કરવાની શક્તિ આપી હતી.
આખરે પોર્ટ વિટોરિયાનું પેટ્રોલિંગ કરતી બ્રાઝિલની ફેડરલ પોલીસનું ધ્યાન ખેંચાતા ચાર જણાને દયાહીન મહાસાગરના પંજામાંથી બચાવી લીધા હતા. સાઓ પાઉલો ચર્ચ શેલ્ટરમાં ઈન્ટરવ્યૂ આપતા 38 વર્ષીય નાજિરિયન થેન્કગોડ ઓપેમિપો મેથ્યુ યેયેએ કહ્યુ હતું કે,‘આ મારા માટે ભયાનક અનુભવ હતો. જહાજ પર હોવું સહેલું ન હતું. હું ભારે ડરથી ધ્રૂજી રહ્યો હતો પણ હવે બચી ગયો છું.’ તેમનો બચાવ તો થઈ ગયો પરંતુ, બ્રાઝિલમાં હોવાનો તેમને આંચકો લાગ્યો હતો કારણકે તેઓ તો યુરોપ જવા નીકળ્યા હતા પણ એટલાન્ટિકની ઉલટી દિશાએ પહોંચી ગયા હતા.
બે મુસાફરને તેમની વિનંતી અનુસાર નાઈજિરિયા પરત મોકલી દેવાયા હતા જ્યારે 38 વર્ષીય થેન્કગોડ ઓપેમિપો મેથ્યુ યેયે અને 35 વર્ષીય રોમાન એબિમેને ફ્રાઈડેએ બ્રાઝિલમાં રાજ્યાશ્રય મેળવવા અરજી કરી છે. આ બંનેએ જણાવ્યું હતું કે આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા નાઈજિરિયામાં આર્થિક મુશ્કેલી, રાજકીય અસ્થિરતા અને ગુનાખોરીના કારણે તેમણે દેશ છોડવાનો નિર્ણય કર્યો હતો.