નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં આરોપી મેહુલ ચોકસીને ટૂંક સમયમાં જ ભારત પાછા લવાશે. તેઓ અત્યાર સુધી એન્ટિગુઆમાં રહેતા હતા, પરંતુ ત્યાંના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને મંગળવારે નિવેદન આપ્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ મેહુલ ચોકસીની નાગરિકતા રદ્દ કરવાના છે. તેઓએ જણાવ્યું કે, ભારતની તરફથી સતત પૂછપરછના કારણે તેઓ આ અંગે વિચારવા મજબૂર બન્યા હતા અને મેહુલ ચોકસીનું નાગરિકત્વ રદ કરાશે. તેમની ભારત પ્રત્યાર્પણની તમામ કાયદેસર કાર્યવાહી પણ થશે.
એન્ટીગુઆ સરકારે જણાવ્યું કે, મેહુલ ચોકસીને ભારત પરત મોકલવા માટે પણ ભારત – એન્ટીગુઆ કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે નીરવ મોદી અને મેહુલ ચોકસી પર રૂ. ૧૩૦૦૦ કરોડના પીએનબી બેંક સાથે છેતરપિંડીનો આરોપ હતો. આ કેસ વર્ષ ૨૦૧૮માં સામે આવ્યો હતો. એન્ટીગુઆના વડા પ્રધાનના મતે મેહુલ ચોકસીને આ કેસ પહેલાં જ એન્ટીગુઆની નાગરિકતા મળી હતી, પરંતુ તેમના પરના સતત આરોપો અને ભારતીય દબાણને વશ તેમનું નાગરિકત્વ રદ્દ કરાશે અને તેમને ભારત પ્રત્યર્પિત કરાશે.
એન્ટીગુઆ સરકારે નિવેદન આપ્યું કે, અમે એવા કોઇપણ માણસને અમારા દેશમાં રાખીશું નહીં, જેના પર કોઇપણ પ્રકારનો કાયદેસર આરોપ મુકાયો હોય.
મુંબઈ હાઈ કોર્ટે પણ કડક વલણ અપનાવતાં જણાવ્યું છે કે મેહુલ ચોકસી તેમની જરૂરી તબીબી સારવાર માટેના કાગળ રિપોર્ટ્સ સહિત મુંબઈ મોકલાવી આપે. મુખ્ય સરકારી કાર્ડિયોલોજિસ્ટ કાગળ તપાસીને જણાવશે કે મેહુલ ચોકસી હાલમાં ભારત પ્રવાસ કરી શકશે કે નહીં.
એર એમ્બ્યુલન્સથી લાવવાની ઇડીની તૈયારી
ઇડીએ ૨૨મીએ મુંબઈ કોર્ટમાં એફિડેટિવટ દાખલ કરી છે. ઇડીએ કહ્યું છે કે, મેહુલ ચોકસીએ ક્યારેય તપાસમાં સહયોગ કર્યો નથી. તેમની સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે. ઇન્ટરપોલ તેમના પ્રમાણે રેડ કોર્નર નોટિસ જાહેર કરી ચૂકી છે. તેઓ પરત આવવાનો પણ ઇનકાર કરે છે. તે એક ભાગેડુ છે. આ ઉપરાંત પ્રવર્તન નિર્દેશાલયે મુંબઈ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી જણાવ્યું કે અમે મેહુલ ચોકસીને મેડિકલ સુપરવિઝનમાં એન્ટીગુઆથી ભારત લાવવા માટે મેડિકલ નિષ્ણાતોની ટીમ સાથે એર એમ્બ્યુલન્સ આપવા માટે પણ તૈયાર છીએ.
વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉનના મતે, અત્યારે મેહુલ ચોકસી સાથે જોડાયેલો મામલો કોર્ટમાં છે, આથી અમારે પ્રત્યાર્પણની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. એન્ટીગુઆ સરકારે કહ્યું કે તેમણે મેહુલ ચોકસીની જરૂરી તમામ માહિતી ભારત સરકારને આપી છે. જો કે મેહુલ ચોકસીને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કરવાનો સમય અપાશે. જ્યારે તેમની પાસે કોઇપણ કાયદાકીય વિકલ્પ બચશે નહીં તો તેમને ભારત પ્રત્યર્પિત કરી દેવાશે.
ભાગેડુની ભાઇબંધી નથી
ભારતમાં અબજો રૂપિયાના આર્થિક કોઠાકબાડા કર્યા બાદ પહેલાં વિજય માલ્યા, પછી નીરવ મોદી, મેહુલ ચોક્સી વગેરે એક પછી દેશ છોડીને ભાગી ગયા ત્યારે સમગ્ર વિપક્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને આક્ષેપ કર્યા હતા કે તેમના ‘આશીર્વાદ’થી જ આ લોકો વિદેશ નાસી છૂટવામાં સફળ થયા છે. જોકે હવે જેમ આ તમામ ભાગેડૂઓ કાયદાની ભીંસમાં આવી રહ્યા છે તેમ તેમ વિપક્ષના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. બ્રિટનમાં આશરો લઇ રહેલા નીરવ મોદીની હકાલપટ્ટીનો તખતો લગભગ તૈયાર થઇ ગયો છે. તેના પ્રત્યાર્પણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે એમ કહી શકાય. આ જ રીતે માલ્યા પણ એવો કાનૂની ભીંસમાં આવ્યો છે કે પોતાનું બધું જ દેવું ચૂકવવા એક કરતાં વધુ વખત તૈયારી દર્શાવી ચૂક્યો છે. અને હવે મેહુલ ચોકસીનો વારો છે. એન્ટીગુઆમાં આશરો લઇને બેઠેલો મેહુલ ચોકસી દેશ છોડીને ભાગી ગયો ત્યારે વિપક્ષ એવો અહેવાલ શોધી લાવ્યો હતો કે એક કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીએ મેહુલ ચોક્સીને ‘કેમ છો, મેહુલભાઇ?’ કહીને તેમનું ઔપચારિક અભિવાદન કર્યું હતું. આવું કહીને વિપક્ષે દાવો કર્યો હતો કે મોદીને ઘનિષ્ઠ નાતો હતો. જોકે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય તે દિવસો દૂર નથી. એન્ટીગુઆએ તેની નાગરિક્તા રદ કરી નાંખતા મેહુલ ચોકસીના પણ ભારત પ્રત્યાર્પણની તૈયારી શરૂ થઇ ગઇ છે.