એમિરેટ્સની ફ્લાઇટનું ક્રેશ લેન્ડિંગઃ ૩૦૦ પ્રવાસીનો ચમત્કારિક બચાવ

Thursday 04th August 2016 03:27 EDT
 
 

દુબઈઃ તિરુવનંતપુરમથી દુબઈ પહોંચેલી એમિરેટ્સની એરલાઇન્સ ઇકે-૨૫૧નું એરપોર્ટ પર ક્રેશલેન્ડિંગ થયા બાદ વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. ફ્લાઇટમાં ૩૦૦ પ્રવાસીઓ હતાં, પરંતુ આટલી મોટી દુર્ઘટના છતાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. બુધવારે બપોરે ૧૨.૪૫ કલાકે પ્લેન એરપોર્ટ પર લેન્ડ થયું કે તરત જ તેનો આગળનો ભાગ જમીન સાથે અથડાયો હતો. દુબઈ એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફ અને ઈમરજન્સી સ્ટાફની આવડતને કારણે માત્ર ૯૦ સેકન્ડમાં જ ક્રૂ અને પ્લેનમાં બેઠેલાં ૨૮૨ લોકોને પ્લેનમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. લોકોને બહાર કઢાયાની એક મિનિટ પછી પ્લેનમાં મોટો બ્લાસ્ટ થયો અને પ્લેન ભડકે બળવા લાગ્યું હતું.
એમિરેટ્સની આ ફ્લાઇટમાં ૨૨૬ ભારતીય ઉપરાંત ૨૪ બ્રિટિશર, ૬ અમેરિકન, ચાર આઇરિશ અને બે ઓસ્ટ્રેલિયન હતાં. આ સિવાય યુએઈના ૧૧, છ સાઉદીના અને પાંચ તુર્કીના હતાં. આ ઉપરાંત બ્રાઝિલ, મલેશિયા, જર્મની, થાઇલેન્ડ, ક્રોયેશિયા, ઇજિપ્ત, બોસ્નિયા અને હેર્ઝેગોવિના, લેબેનોન, ફલિપીન્સ, સાઉથ આફ્રિકા, સ્વિટ્ઝર્લેન્ડ અને ટ્યુનિશિયા સહિત ૨૦ દેશોનાં લોકો હતાં.

એનાઉન્સમેન્ટ પૂરું ને પ્લેન ક્રેશ થયું

એક પેસેન્જરે જણાવ્યું કે, ફ્લાઇટ ટેકઓફ થઈને દુબઈ પહોંચી ત્યાં સુધી બધું બરાબર હતું. ફ્લાઇટ દુબઈ એરપોર્ટ પર લેન્ડિંગ માટે પહોંચી ત્યારે પાઇલટે જાહેરાત કરી કે, લેન્ડિંગ ગિયરમાં પ્રોબ્લેમ થયો છે. લોકો કંઈ સમજે કે કંઈ થાય તે પહેલાં જ પ્લેન મોટા ઝટકા સાથે લેન્ડ થયું અને તેનો આગળનો ભાગ જમીન સાથે અથડાયો. પ્લેન ઘસડાઈને ઊભું રહી ગયું. તમામ ઇમરજન્સી ડોર ખોલી દેવાયા હતા. લોકો ઝડપથી નીચે ઊતરતાં હતા અને નાસભાગ મચી હતી. આ દરમિયાન પ્લેન ધૂમાડાથી ઘેરાવા લાગ્યું. ગણતરીના એક કે દોઢ મિનિટમાં બધા જ બહાર નીકળી ગયાં.
કેટલાક લોકોના જણાવાના પ્રમાણે બહાર ૫૦ ડિગ્રી ગરમી હતી. આ કારણે પ્લેન જ્યારે ક્રેશલેન્ડ થયું તો ગરમીના કારણે ઘર્ષણ વધી ગયું હતું અને આગ ફાટી નીકળવાની ઘટના બની હોવી જોઈએ. કેટલાક લોકો એવું માને છે કે, દુબઈમાં ઘણી એરસ્ટ્રિપ છે. પ્લેનમાં ખરાબી થવાથી પાઇલટ ગભરાઈ ગયો હતો અને ક્યાં લેન્ડ કરવું તેની અવઢવમાં તેણે ક્રેશ લેન્ડિંગ કર્યું હતું. કેટલાક જાણકારો માને છે કે લેન્ડિંગ ગિયરમાં મુશ્કેલી સર્જાવાના સંજોગોમાં ફ્લાઇટના પાઇલટ અને ક્રૂ મેમ્બર્સે જે ઝડપી કાર્યવાહી કરી છે તેના વખાણ થવા જોઈએ. તેમની સમયસૂચકતાને કારણે ૨૮૨ મુસાફરો અને તેમના પોતાના જીવ બચ્યાં હતાં.

ગોડ ઈઝ ગ્રેટ

પ્લેનમાં બેઠેલા શાજી કોચીફુટ્ટીએ જણાવ્યું કે, હું મારી પત્ની અને ત્રણ દીકરીઓ સાથે પ્લેનમાં બેઠો હતો, જેવા ઇમર્જન્સીની એક્ઝિટ ખૂલ્યાં કે મેં મારી ત્રણ દીકરીઓને ઉતારી દીધી. બાદમાં મારી પત્ની ઊતરી, પણ ગભરાટમાં તેના ઘૂંટણે થોડી ઈજા થઈ હતી. ત્યારબાદ હું ઊતરી ગયો અને બધા વારાફરતી ઊતરવા લાગ્યાં. મેં શૂઝ પહેર્યા નહોતા એટલે પગમાં થોડી ઈજા થઈ હતી. અમને ત્યારબાદ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઇબ્રાહીમ થોમસ નામની વ્યક્તિએ જણાવ્યું કે, હું આગળની સીટ પર હતો. મેં જોયું કે જમણી બાજુનાં એન્જિનમાં આગ લાગી રહી હતી. અમે નીચે ઊતરી ગયા. અમે નીચે ઊતર્યા તેના ગણતરીની મિનિટમાં જ પ્લેનમાં બ્લાસ્ટ થયો અને આગ લાગી. અમે બચી ગયા. ગોડ ઈઝ ગ્રેટ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter