નવી દિલ્હીઃ ભારતની બે દિવસની મુલાકાતે આવેલા દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોનના સ્થાપક અને સીઈઓ જેફ બેજોસે કહ્યું છે કે એમેઝોન ૨૦૨૫ સુધીમાં આશરે ૧૦ અબજ ડોલર (૭૧,૦૦૦ કરોડ રૂપિયા)ની મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટની એક્સ્પોર્ટ કરશે. ભારતમાં નાના અને મીડિયમ વેપારીઓને ડિજિટાઈઝ કરવા માટે એમેઝોન ભારતમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે. બેજોસે કહ્યું હતું કે એમેઝોન પાંચ વર્ષમાં ભારતમાં ૧૦ લાખ નવી નોકરીઓ પેદા કરશે. આશરે ૮.૩૦ લાખ કરોડ રૂપિયાની નેટ વર્થ ધરાવતા દુનિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ જેફ બેજોસે ૧૪મીએ ભારત પહોંચ્યા બાદ નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી, ૧૫મીએે દિલ્હીમાં નાના અને મીડિયમ વેપારીઓ માટે આયોજિત કાર્યક્રમ ‘એમેઝોન સંભવ’ કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું હતું કે એમેઝોન શરૂ થઈ ત્યારે નાની કંપની હતી અને તેથી અમે પણ નાની કંપનીઓને વિશ્વફલક પર મૂકવા માગીએ છીએ.
ભારતનો જોશ, ઊર્જા અને અહીંના લોકો વિશેષ છે. આ સદી ભારતની સદી રહેશે. ૨૧મી સદીમાં ભારત અને અમેરિકાનું ગઠબંધન સૌથી મહત્ત્વનું બની રહેશે. એમેઝોન ૨૦૩૦ સુધી ૧૦૦ ટકા સસ્ટેનેબલ ઈલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરશે. અમે એક લાખ ઇલેક્ટ્રિક વાહનો ખરીદીશું અને જૂન સુધીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી દઈશું.
જેફ બેજોસે દિલ્હીમાં બાળકો સાથે પતંગ ઉડાવ્યા હતા અને બાળપણની યાદો તાજી કરી હતી. એમેઝોન સંભવમાં ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ કાર્યક્રમમાં વિલંબ થતાં પોતાનું ભાષણ પાંચ મિનિટમાં આટોપી લીધું હતું.
દુનિયા જેણે બદલી એને નમન : જેફ બેજોસ
રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા જતી વખતે જેફ બેજોસે સફેદ કુર્તા અને ઓરેન્જ જેકેટ પહેર્યું હતું. તેમણે આનો વીડિયો મૂકીને ટ્વિટ કર્યું કે હું ભારતમાં છું. જેમણે સાચા અર્થમાં આ દુનિયાને બદલી એને મારું નમન છે. મહાત્મા ગાંધી કહેતા હતા કે એવી રીતે જીવો કે કાલે છેલ્લો દિવસ છે, એવી રીતે શીખો કે જાણે હંમેશાં અહીં રહેવાનું છે.