નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ મુંબઇથી ન્યૂ યોર્કની જોન એફ કેનેડી એરપોર્ટ માટેની ડાયરેકટ ફ્લાઇટ બંધ થઈ રહ્યાનો નિર્ણય લેવાયો હોવાનું તાજેતરમાં જાહેર કર્યું છે. એર ઇન્ડિયાએ આ નિર્ણય ટિકિટોનું ઓછું વેચાણ અને ખોટને લીધે લીધો હોવાનું જણાવ્યું છે. ડિસેમ્બર ૨૦૧૮માં મુંબઇથી ન્યૂ યોર્કની સીધી ફ્લાઇટ સર્વિસ એર ઇન્ડિયાએ શરૂ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ખોટમાં ચાલી રહેલી એર ઇન્ડિયાની મુંબઇથી ન્યૂ જર્સીની સીધી ઉડ્ડયન સેવા ચાલુ રહેશે. એર ઈન્ડિયાના અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઇથી ન્યૂ યોર્ક માટે સપ્તાહમાં ત્રણ ફલાઇટ જતી હતી. ફેબ્રુઆરીમાં બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું. તેથી એર સ્ટ્રાઇક બાદ એર ઇન્ડિયાને ભારે નુકસાન થયું છે. આ સમયગાળામાં આ સીધી ઉડ્ડયન સેવાને હાલમાં બંધ કરવામાં આવી હતી.
જોકે જૂનમાં આ સેવા ફરી અમલમાં મૂકવાનું વિચારાયું હતું, પણ ખોટમાં ચાલતી એર કંપની હવે આ સેવાને ફરી અમલમાં મૂકવા માગતી નથી.