લંડનઃ ચીનની એરલાઈન્સ એર ચાઈના વિચિત્ર સલાહ આપવાને પગલે વિવાદમાં સપડાઈ છે. એર ચાઈનાએ તેના મુસાફરોને બ્રિટનની રાજધાની લંડનમાં મોટી સંખ્યામાં ભારતીય, પાકિસ્તાની તેમજ અશ્વેત લોકો રહેતાં હોય તેવા વિસ્તારમાં ન જવાની સલાહ આપી છે. વિવાદ સર્જાતા એર ચાઈનાના મેગેઝિને માફી માગવાની ફરજ પડી હતી. એર ચાઈનાએ જણાવ્યું હતું કે વિવાદિત લેખવાળા મેગેઝિનની તમામ નકલ પાછી ખેંચી લેવાઈ છે.
મીડિયા અહેવાલ પ્રમાણે એર ચાઈનાએ તેના સામયિક ‘વિંગ્સ ઓફ ચાઈના’માં આ સલાહ આપી છે. ભારતીય મૂળના સાંસદ વિરેન્દ્ર શર્માએ તેને અપમાનજનક ગણાવી એર ચાઈનાને માફી માગવાની તાકીદ કરી છે. વિરેન્દ્ર શર્માએ આ અંગે બ્રિટનના રાજદૂતને પત્ર લખી વાંધો ઉઠાવ્યો છે. આ ઉપરાંત, ટૂટિંગના સાંસદ ડો. રોશેના અલી ખાને પણ પણ તેમનો વિરોધ દર્શાવ્યો હતો.
લંડનના પાકિસ્તાન મૂળના મુસ્લિમ મેયર સાદિક ખાન માટે આ સલાહ આચકા સમાન છે. તેઓ હાલમાં ભારતીયો, પાકિસ્તાનીઓના વિસ્તારોની આસપાસના પ્રસિદ્ધ ભોજન અને નાસ્તા સ્થળોને લોકપ્રિય બનાવવા માટે ઝુંબેશ ચલાવી રહ્યાં છે.
અહેવાલ મુજબ વિંગ્સ ઓફ ચાઈનાનો એક તૃતીઆંશ ભાગ લંડનના પર્યટન સ્થળો અને ઓક્સફોર્ડ જેવા પ્રસિદ્ધ શહેરો માટે સમર્પિત હોય છે. આ સામયિકનો મુખ્ય લેખ બ્રિટનમાં મળતાં અલગ અલગ પ્રકારની હેટ પર કેન્દ્રિત છે. ત્યાર પછી એક ભાગમાં લંડનની જીવનશૈલી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા પરિવહન વ્યવસ્થાનો ઉલ્લેખ કરાયો છે અને આ સાથે કેટલાક સૂચનો પણ કરાયા છે. સામાન્ય રીતે લંડન સુરક્ષિત શહેર છે પરંતુ ભારતીય, પાકિસ્તાનીઓ તથા અશ્વેતોની બહુમતી ધરાવતાં વિસ્તારોમાં જતી વખતે સચેત રહેવાની જરૂર છે.
મુસાફરોએ આ વિસ્તારમાં રાતે એકલા ન જવું જોઈએ. એર ચાઈનાએ આ સાથે આ વિસ્તારમાં જતી મહિલાઓએ તેમની સાથે પુરુષને લઈ જવાની પણ સલાહ આપી છે. બ્રિટનમાં જાતિવાદી ભેદભાવને કારણે ચીનની કંપનીઓ અગાઉ પણ વિવાદોમાં સપડાઈ ચૂકી છે. મે મહિનામાં એક જાહેરાતમાં અશ્વેત વ્યક્તિની અયોગ્ય રજૂઆત બદલ ચીનની કંપનીને માફી માગવાની ફરજ પડી હતી.
આ કૌભાંડ સંદર્ભે લંડન એસેમ્બલી મેમ્બર નવીન શાહે ચીનના રાજદૂત લિયુ ક્સિઆઓમિંગને પત્ર પાઠવી બ્રેન્ટ અને હેરોની મુલાકાત લેવા આમંત્રિત કર્યા છે, જેથી આ સ્થળો ચીની પ્રવાસીઓને મુલાકાત લેવા માટે સલામત હોવાનું ખુદ જાણી શકે. તેમણે એર ચાઈનાને પણ મેગેઝિનના આગામી અંકમાં સુધારાત્મક લેખ લખવાની વિનંતી પણ કરી હતી, જે ચીની ટુરિસ્ટોને લંડનના બ્રેન્ટ અને હેરો જેવા વૈવિધ્યપૂર્ણ વિસ્તારોનું પ્રમોશન કરી શકે. નવીન શાહે જણાવ્યું હતું કે મેગેઝિનમાં પ્રકાશિત આઘાતજનક અને અપમાનકારી ટીપ્પણીઓ ચીનની સરકાર અને લોકોનો મત પ્રદર્શિત કરતી હોય તેમ તેઓ માનતા નથી. અમે ઉષ્માપૂર્ણ, મૈત્રીપૂર્ણ અને આવકાર આપનારા લોકો છીએ અને ડરવા જેવી કોઈ વાત જ નથી તે દર્શાવવા જ મે એમ્બેસેડરને આમંત્રણ પાઠવ્યું છે.’