વોશિંગ્ટનઃ એરેઝોનાના પરા વિસ્તાર ફિનીક્સમાં એક નાનું વિમાન ૧૩મી એપ્રિલે ગોલ્ફ કોર્સ પર તૂટી પડતાં ૬ વ્યક્તિઓના મૃત્યુ થયાં હતાં જેમાં ૨૬ વર્ષીય ગુજરાતી બિઝનેસમેન આનંદ પટેલ પણ સામેલ હતા. આનંદ પટેલ ‘વોટ્સ હેપ્પી ક્લોથિંગ’ના સંસ્થાપક હતા. રડાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, લાસ વેગાસ જતું આ વિમાન એરપોર્ટ પરથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં ક્રેશ થયું હતું. ઉડાન ભર્યા પછી જમીન પર પટકાતાં આ સિંગલ એન્જીનવાળા વિમાનમાં આગ લાગી ગઈ હતી અને તમામ ૬ મુસાફરોનાં આ ઘટનામાં મૃત્યુ થયાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે, મૃતકોમાં તમામની ઉંમર ઉંમર ૨૨થી ૨૮ વર્ષ સુધીની જ હતી. વહીવટીતંત્રએ વિમાન અકસ્માતની તપાસ હાથ ધરી છે. આનંદ પોતાના મિત્રોમાં હેપ્પીના નામથી જાણીતો હતો તે પોતાના જોડિયા ભાઈ આકાશ પટેલ સાથે વર્ષ ૨૦૦૯માં અભ્યાસ માટે આવ્યો હતો. તેણે કપડાંનું કામ ચાલુ કર્યું હતું અને ઈવેન્ટ પ્રમોટર તરીકે પણ કામ કરતો હતો.